મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મતનો ઉપયોગ કરવા રાણીપ વિસ્તારમાં સવારે લગભગ 9 વાગ્યે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. તેમણે પોતાના મતનો ઉપયોગ કર્યો હતો અને લોકોને અને પત્રકારોને પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા મોદીની આ હરકતને આચારસહિંતાનો ભંગ ગણાવી તેમની ધરપકડ કરવા ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી છે.
કોંગ્રેસી નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદી રાણીપ ખાતે વોટિંગ કરવા ગયા ત્યારે તેઓ પોતાની સાથે મોટું ટોળુ લઇને પહોંચ્યા હતાં, તેમજ તેમણે વોટિંગ કર્યા બાદ લોકોને તેમની જીત પાક્કી છે તેવો વિશ્વાત વ્યક્ત કરી લોકોને વિજયનું સૂચક બતાવ્યું હતું, તેમજ તેમણે પોતાની કારમાંથી અડધા બહાર રહી રેલી જેવો માહોલ સર્જ્યો હતો. જે ખરેખર આચારસંહિતાનો ભંગ છે માટે અમે ચૂંટણીપંચ સમક્ષ તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેમની સામે કાનૂની પગલા ભરવા જણાવ્યું છે.'
આ ઉપરાંત કોંગ્રેસે મોદી સામે એવી પણ ફરિયાદ નોંધાવી છે કે મોદીએ પોતાના ભાષણોમાં સોનિયા ગાંધીને એવું કહ્યું હતું કે તેઓ હારની બીકે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠ્યા છે. જે પણ આચારસંહિતાનો ભંગ છે માટે મોદી સામે તપાસ થવી જોઇએ.
અર્જુન મોઢવાડિયાએ પંચમહાલમાં થયેલી તકરાર પર ખુલાસો આપતા જણાવ્યું હતું કે 'કોંગ્રેસી કાર્યકરોએ જેઠાભાઇ ભરવાડ ઉપર હુમલો કર્યો નથી, બલકે તેમણે અમારા કાર્યકરો પર ગોળીબાર કર્યો છે અને તેમાં અમારા ત્રણ કાર્યકરો ઘાયલ થયા છે. જે અંગે પોલીલ વધુ તપાસ કરી રહી છે.' મોઢવાડિયાએ કોંગ્રેસી કાર્યકરોએ જેઠાભાઇ ભરવાડ પર કરેલા હુમલાના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતા.












Click it and Unblock the Notifications
