લોકસભા માટે સજ્જ કૉંગ્રેસઃ ચૂંટણી માટે વિવિધ સમિતિઓની કરી રચના
લોકસભા માટે સજ્જ કોંગ્રેસો ચૂંટણી માટે વિવિધ સમિતિઓ રચી
રાજ્યમાં એક તરફ કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તુટે તેવી જોવા મળી રહી છે. પરંતું, આ તમામ બાબતોને અવગણીને સંગઠન લોકસભાની ચૂંટણી તરફ ફોક્સ કરી રહ્યુ છે. નજીકમાં આવી રહેલી લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર માટે 7 જેટલી સમિતિઓની રચના કરી છે. જેમાં, પ્રદેશના સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

અસંતુષ્ટ અલ્પેશ ઠાકોરનો પણ કર્યો સમાવેશ
ઘણા લાંબા સમયથી અસંતુષ્ટ જણાતા અલ્પેશ ઠાકોરનો સાતેય કમિટીમાં સમાવેશ કરાયો છે. આ સાથે અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતીના કન્વીર બનાવાયા છે. ઘણા લાંબા સમયથી અસંતોષ ધરાવતાં પીઢ અને સિનિયર નેતાઓને કોઓર્ડિનેશન કમિટીમાં સ્થાન અપાયું છે. રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને બનેલી કો ઓર્ડિનેશન કમિટિમાં પ્રદેશના તમામ મોટા ગજાના પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત 36 નેતાઓના નામ સામેલ છે. તો, લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, ધાનાણી સહિત 28 નેતાઓનો સમાવેશ છે.

7 જેટલી સમિતિઓમાં કરી નિમણૂંકો
પ્રદેશ કોંગ્રેસની પ્રચાર કમિટીમાં ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર તરીકે અલ્પેશ ઠાકોર સાથે અન્ય 43 નેતાઓને સ્થાન અપાયું છે. પ્રસાર કમિટીમાં ચેરમેન પદે તુષાર ચૌધરી અને કન્વીનર તરીકે રોહન ગુપ્તા સાથે અન્ય 27 નેતાઓને સ્થાન મળ્યું છે. મીડિયા કોઓર્ડિનેશન કમિટી ચેરમેન પદે નરેશ રાવલ અને કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિક સાથે 15 કાર્યકરોના નામ સામેલ છે. ચૂંટણી વહિવટી કમિટીમાં ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવ સાથે 9 નેતાઓને સ્થાન અપાયું છે. ચૂંટણી ઢંઢેરા કમિટીમાં ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર તરીકે મનીષ દોષી અને 22 નેતાઓના નામ સામેલ છે.

પ્રદેશ કોંગ્રેસનો જુથવાદ અટકશે ક્યારે ?
પ્રદેશ કોંગ્રેસમાં નેતાઓની અવગણના અને જુથવાદનો જુવાળ ચાલી રહ્યો છે. નેતાઓની પ્રદેશકક્ષાએ અવગણનાને કારણે અનેક નેતાઓ પોતાની રજુઆત ઉચ્ચ સ્તરે કરી ચુક્યા છે. તાજેતરમાં પ્રદેશમાં થતી અવગણનાને મુદ્દે ઉઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ કોંગ્રેસ છોડી ચુક્યા છે. ત્યારે, શું, ખરેખર આ સમિતિઓની રચનાથી કોંગ્રેસમાં છવાયેલો અસંતોષના વાદળો દુર થશે. ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇ શકે છે તેવી અનેક અટકળો વહેતી થઇ રહી છે. આ અટકળો શું ખોટી પડશે. પ્રદેશના બે મોટા નેતાઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે સામંજ્ય વધશે ?

ચૂંટણી સમિતિઓ કરશે કામ ?
આખરે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર થયું છે કે, પ્રદેશ પ્રમુખોની રાહુલ ગાંધી સાથે યોજાનાર બેઠક પહેલાં જવાબદારીના ભાગ રૂપે આ માળખું નામ માત્રથી તૈયાર કરાયુ છે કે કેમ તે પણ એક સવાલ છે.












Click it and Unblock the Notifications
