Cyclone Biparjoy: વાવાઝોડુ બિપરજોય ટકરાતા ભારે પવન સાથે અતિ ભારે વરસાદ શરુ, સીએમે કરી સ્થિતિની સમીક્ષા
Cyclone Biparjoy: અરબ સાગરમાં સક્રિય થયેલ બિપરજોય વાવાઝોડાનુ લેન્ડફોલ સાંજે 6.30 વાગે શરુ થઈ ગયુ છે. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.
દ્વારકા અને કચ્છમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ કે, 'હાલમાં 115થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં લેન્ડફોલની શરુઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ છે. આગામી સમયમાં અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. મધરાત સુધી લેન્ડફોલ ચાલુ રહેશે.'

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કચ્છ અને દ્વારકામાં લેન્ડફોલની શરુઆત થઈ ગઈ છે. આંખનો વ્યાસ 50 કિમી છે. વાવાઝોડુ હાલમાં 13થી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ રહ્યુ છે. આ ઝડપે તેના પસાર થતા હજુ પાંચ કલાક લાગશે. લેન્ડફોલની આખી પ્રક્રિયા પૂરી થતા મધરાત થશે.
વાવાઝોડાની અસરને પગલે ભૂજમાં બે કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ ભૂજ અને માંડવીમાં વરસાદ નોંધાયો છે. કચ્છના 10 તાલુકામાં વરસાદ પડ્યો છે.
વાવાઝોડુ ટકરાયા બાદ બનાસકાંઠામમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં વાવા તાલુકાના તળાવ ગામમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરામાં વાવાઝોડુ ટકરાયા પછી શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો, હોર્ડિંગ્સ, વીજ વાયરો તૂટવાની ઘટનાઓ બની હતી. ગાંધીનગરમાં પણ વાવાઝોડુ ટકરાયા બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વલસાડના તીથલ બીચ પર પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌથી વધુ નુકશાન કચ્છમાં થશે. દરિયામાં 2થી 3 મીટર ઉંચા મોજા ઉછળશે. આંખને પસાર થતા એકાદ કલાક જેટલો સમય લાગશે અને સંપૂર્ણ વાવાઝોડુ પસાર થતા પાંચ કલાક જેવો સમય લાગી શકે છે.












Click it and Unblock the Notifications
