Cyclone shakti : વાવાઝોડા શક્તિને લઈને હવામાન વિભાગનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Cyclone shakti : અરબી સમુદ્રમાં સર્જાયેલું તોફાન શક્તિ હવે નબળું પડી ગયું છે અને એક સામાન્ય ચક્રવાતી વાવાઝોડું બની ગયું છે.
ભારત હવામાન વિભાગ (IMD) તરફથી આ માહિતી આપવામાં આવી છે, જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આ વાવાઝોડું રાજ્યના દરિયાકિનારાથી 900 કિલોમીટરથી વધુ દૂર ફંટાઈ ગયું છે, જેથી ગુજરાત પર તેની સીધી અસર થવાની શક્યતા નહિવત્ છે.

જો કે, ખુલ્લા દરિયામાં સ્થિતિ હજી પણ આવતીકાલ સુધી એટલે કે 7 ઓક્ટોબર સુધી તોફાની રહેવાની આગાહી છે. આ કારણે IMD દ્વારા ગુજરાતના માછીમાર સમુદાયને દરિયાકિનારાથી દૂર ખુલ્લા દરિયામાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે.
આજે સવારે 5:30 કલાકે (IST) આ વાવાઝોડું ઓમાનના મસિરાહથી લગભગ 200 કિલોમીટર દૂર અને દ્વારકાથી 950 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત હતું.
છેલ્લા છ કલાકમાં શક્તિ લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ દક્ષિણ તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે તે અરબી સમુદ્ર પર પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં આગળ વધશે અને 7 ઓક્ટોબરની સવાર સુધીમાં વધુ નબળું પડીને ડિપ્રેશન (હળવું દબાણ) માં ફેરવાઈ જવાની સંભાવના છે.
હાલ પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારોમાં 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે, 7 ઓક્ટોબરની સવાર સુધીમાં આ પવનની ગતિ ધીમે ધીમે ઘટીને 45-55 કિલોમીટર પ્રતિ કલાક થવાની અને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીના ઝાપટાં રહેવાની ધારણા છે.
દરિયાની સ્થિતિ પણ 7 ઓક્ટોબરની સવાર સુધી અત્યંત તોફાની રહેવાની આગાહી છે, ત્યારબાદ તેમાં સુધારો જોવા મળશે. ગુજરાતના માછીમારોને સલામતીના ભાગરૂપે 7 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં બિલકુલ ન જવાની સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
