વલસાડ કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી
વલસાડ કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો કરી હતી તે રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને

સમુદ્ર કાંઠે રેતીખનન માફિયાઓ દ્વારા બેફામ રીતે થઈ રહેલા ખનનથી કાંઠે રહેતા લોકોને મુશ્કેલી પડી રહી હોવાનો પ્રશ્ન સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે ઉઠાવ્યો હતો. જિલ્લાના રણ કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના રક્ષણ માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવી પણ સતત રેતી ખનનના કારણે પથ્થરો પણ ટકી શકયા નથી. અનેક ગામના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. જેથી રેતી માફિયાઓ સામે કડક પગલાં ભરવા જરૂરી છે. રેતી માફિયાઓએ ગ્રામજનોને ધમકી આપી છતાં પોલીસ દ્વારા પગલાં લેવાયા નથી. ગ્રામજનો ભયભીત છે જેથી તેઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. ધારાસભ્ય પટેલે વધુમાં ટાવરથી ધોબીતળાવ જતા રોડ પર વધી રહેલા દબાણને દૂર કરવા પણ રજુઆત કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક વી.પી.પટેલે આ મામલે સ્થળ નિરિક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ધારાસભ્ય રમણ પાટકરે સેટેલાઈટ માપણીની અરજીઓ પેન્ડિંગ હોવાનું જણાવી કહ્યું કે, અરજીનો જલદી નિકાલ કરો કારણ કે, સેટેલાઈટ માપણીથી અનેક લોકોના નામ જમીન માલિક તરીકે ચઢી ગયા છે, જલદી પગલાં ન લેવાશે તો તેઓ જમીન વેચી મારશે અથવા તેના પર લોન લઈ લેશે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ધરમપુરની માધ્યમિક શાળા ધામણીમાં ચાલી રહેલી પાળી પધ્ધતિને બંધ કરી જગ્યા ફાળવવામાં આવે એવી રજૂઆત કરી હતી. વધુમાં તેમણે વિલ્સન હિલ ખાતે વિકાસના તમામ કાર્ય પુરા થયા છે, પરંતુ વીજ જોડાણ હજુ મળ્યું ન હોવાનું જણાવતા આ બાબતે કલેકટરે વિલ્સન હિલ પ્રવાસન સમિતિને આ મુદ્દે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લામાં યોજાનારી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંગે કલેકટરે સવિસ્તાર માહિતી આપી રથ યાત્રાના રૂટ અને રથયાત્રા પહેલા અને ત્યાર બાદ શું કામગીરી કરી તે અંગે માહિતી આપી હતી. ચોમાસાની સિઝનનો પ્રારંભ થનારો હોવાથી તે અંગે પણ તકેદારી રાખી કામગીરી કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, નાયબ પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, તેમજ વલસાડ, પારડી અને ધમપુરના પ્રાંત અધિકારીઓ તેમજ ચૂંટાયેલા ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
