સાબરકાંઠામાં નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ, યુરિયા અને શેમ્પૂથી બનતું હતું ઝેર
સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે પ્રાંતિજના સલાલ રેલવે ક્રોસિંગ પાસે ધમધમતી નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સત્યાડેરી પ્રોડક્ટસ નામની ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં કેમિકલયુક્ત દૂધ બનાવવામાં આવતું હતું. આ દરોડા દરમિયાન કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાં દૂધ અને છાશ બનાવવા માટે યુરિયા ખાતર, કપડાં ધોવાનો પાવડર, પામોલિન તેલ અને કોસ્ટિક સોડાનો ઉપયોગ થતો હતો. આ જીવલેણ પદાર્થો મિશ્રિત કરીને નકલી દૂધ તૈયાર કરી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું.
એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત તપાસમાં સ્થળ પરથી આશરે 71.29 લાખની મત્તા જપ્ત કરવામાં આવી છે, જેમાં મશીનરી અને કાચો માલ સામેલ છે. ઝડપાયેલા આરોપીઓમાં પ્લાન્ટ ઓપરેટર સહિત ચાર શખ્સો અને એક કિશોરનો પણ સમાવેશ થાય છે.
આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અને ફેક્ટરીનો સંચાલક રાકેશ પટેલ (ધમો) હાલ પોલીસ પકડથી દૂર છે, જેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરાયા છે. હિંમતનગરનો રહેવાસી આ મુખ્ય આરોપી ફરાર હોવાથી પોલીસ તેને ઝડપવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.












Click it and Unblock the Notifications
