Gujarat News: સરકારનો કેદીઓ માટે મોટો નિર્ણય, 'વિકાસદીપ' યોજના હેઠળ કેદીઓના બાળકોને ઈનામ અપાશે
Gujarat News: ગુજરાત જેલ ડીજીપી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર કેદીઓ માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં રાજ્યની જેલોમાં રાખવામાં આવેલા કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઈનામ અને પુરસ્કારો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને અલગ બેરેક, કેરટેકર તેમજ દવાખાનામાં અગ્રિમતા સહિતની સુવિધા આપવા ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
બંદીવાનના બાળકોને કુલ ત્રણ સ્તરે ઇનામો મળશે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર કેદીઓના બાળકોને કુલ ત્રણ સ્તરે ઈનામો મળશે. જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ 5,001 રૂપિયા અને પ્રમાણપત્ર, મેઈન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ 10,001 રૂપિયા અને પ્રમાણપત્ર તેમજ અંતિમ પસંદગી અને નિમણુંક બદલ 15,001 રૂપિયા આપવામાં આવશે.
બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સ્તરે બ્રોન્ઝ મેડલ માટે 3,001 રૂપિયા અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે 5,001 રૂપિયા અને પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ માટે 7,001 રૂપિયા ઉપરાંત ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા બાળકોને બ્રોન્ઝ મેડલ માટે 7,001 રૂપિયા અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે 10,001 રૂપિયા અને પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ માટે 15,001 રૂપિયા સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે.
60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ તથા બીમાર કેદીઓ માટે મહત્ત્વનો નિર્ણય
- તેમની માટે અલગ બેરેક ફાળવવી
- દૈનિક પ્રવૃત્તિઓ માટે કેરટેકર આપવો
- જરૂરી દવાઓ સમયસર પહોંચાડવી
- માનસિક આરોગ્ય માટે કાઉન્સેલિંગ સુવિધા આપવી
- સ્પેશિયલ રેમ્પ્સ, દવાખાનામાં અગ્રિમતા સાથે સુવિધા આપવી
- નિયમિત તબીબી ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન
- પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવો
- જામીન પ્રક્રિયામાં અને દયા અરજી સંબંધિત કાયદેસર મદદ કરવી
આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમની ઉન્નતિના માર્ગો ખુલશે.












Click it and Unblock the Notifications
