ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે 'ગુજરાત@75: એજન્ડા ફોર 2035'નું કર્યું અનાવરણ, જાણો વધુ વિગત
ગાંધીનગર: PM નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝનને અનુરૂપ, ગુજરાત સરકારે આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 'ગુજરાત@75: એજન્ડા ફોર 2035' દસ્તાવેજનું અનાવરણ કર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ માઇલસ્ટોન રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ એજન્ડામાં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ (વર્ષ 2035) પૂર્ણ થતાં રાજ્યના વિકાસની રૂપરેખા અને લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ એજન્ડાનો ઉદ્દેશ આગામી દાયકામાં ગુજરાતના દરેક વ્યક્તિ માટે 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' (સારી કમાણી, સારું જીવન)નું લક્ષ્ય હાંસલ કરવાનો છે.

મુખ્ય લક્ષ્યાંકો: 'સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક'
'એજન્ડા ફોર 2035' રિપોર્ટ 'સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક'ના સૂત્રને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. આ રિપોર્ટમાં આગામી દસ વર્ષમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં સંતુલિત અને સમાવિષ્ટ વિકાસ સુનિશ્ચિત કરવા માટેની વ્યાપક વ્યૂહરચના આપવામાં આવી છે.
1. શિક્ષણ અને કૌશલ્ય (Education & Skill)
7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ શરૂ કરવામાં આવશે.
75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરીને 75 લાખ કુશળ (Skilled) નોકરીઓ ઊભી કરવાનું લક્ષ્ય છે.
દરેક બાળકને આધુનિક, ભવિષ્યલક્ષી શિક્ષણની સુવિધા મળશે.
2. આરોગ્ય અને કલ્યાણ (Health & Wellness)
ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ આપવા માટે મેડિકલ કોલેજોની સંખ્યા વધારાશે.
વ્યાપક ડિજિટલ આરોગ્ય નેટવર્ક સ્થાપિત કરાશે.
દરેક પરિવાર માટે આરોગ્ય વીમા કવરેજ સુનિશ્ચિત કરાશે.
3. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ (Infrastructure & Investment)
ગુજરાતમાં રસ્તાઓ, સિંચાઈ, બંદરો, પરિવહન, પાણી અને ઊર્જા પુરવઠામાં માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ₹7.5 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.
ગુજરાતને ભારતનું ઇનોવેશન પાવરહાઉસ બનાવવા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન અપાશે.
4. હરિત ભવિષ્ય અને સ્વચ્છ ઊર્જા (Green Future & Clean Energy)
રાજ્ય ક્લીન એનર્જી અને નેટ ઝીરો લક્ષ્યાંકમાં અગ્રેસર બનશે.
75 ગીગાવોટ પવન ઊર્જા (Wind Energy), હાઇડ્રોજન પ્લાન્ટ્સ અને 7,500 ઇલેક્ટ્રિક બસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
750 જગ્યાઓને અર્બન લંગ્સ તરીકે વિકસાવી હરિયાળી બનાવાશે અને 7,500 મિયાવાકી જંગલો બનાવવાનું લક્ષ્ય છે.
5. ગ્રામીણ અને કૃષિ વિકાસ (Rural & Agriculture Development)
પાકની ગુણવત્તામાં સુધારો, મૂલ્યવર્ધન અને એગ્રો-પ્રોસેસિંગ દ્વારા ખેડૂતોની આવક વધારીને ગ્રામીણ સમૃદ્ધિને વેગ આપવામાં આવશે.
'4I' પર ધ્યાન કેન્દ્રિત
'ગુજરાત@75: એજન્ડા ફોર 2035'ની આ સમગ્ર યોજના "4I" એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા), ઇનોવેશન (નવીનતા), ઇન્ડિવિજ્યુઅલ્સ (વ્યક્તિઓ) અને ઇન્સ્ટિટ્યૂશન્સ (સંસ્થાઓ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ દસ્તાવેજ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. 2047 સુધીમાં ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં આ એજન્ડા એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.












Click it and Unblock the Notifications
