Gujarat assembly : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો બીજો દિવસ, આજે આ મુદ્દે ચર્ચા થશે
Gujarat assembly : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે તેનો બીજો દિવસ છે. ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે, જેમાં ધારાસભ્યો જનતાના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરશે.
આજના સત્રનો મુખ્ય મુદ્દો ભારતીય સૈન્યની વીરતાને બિરદાવવાનો છે. ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરની બહાદુરીને માન આપવા માટે એક ખાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરીને ભારતીય સૈનિકોના અદમ્ય સાહસ અને શૌર્યને બિરદાવશે. આ પ્રસ્તાવ સૈનિકોના મનોબળને વધુ મજબૂત કરશે અને દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપશે.
આ ઉપરાંત નાણાકીય બાબતો પણ આજે વિધાનસભાના કેન્દ્રમાં રહેશે. તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના દરોમાં થયેલા ફેરફારો અને તેનાથી સામાન્ય જનતાને મળેલી રાહત અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવશે.
આ પ્રસ્તાવમાં GST કાઉન્સિલના નિર્ણયોની સકારાત્મક અસરો અને રાજ્યના આર્થિક વિકાસમાં તેના યોગદાન પર ભાર મૂકવામાં આવશે.
આજની કાર્યવાહીમાં બે મહત્વપૂર્ણ વિધેયકો પર પણ ચર્ચા થવાની છે. જેમાં ગુજરાત માલ સેવા વેરા (સુધારા) વિધેયક અને ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયકનો સમાવેશ થાય છે.
આ સાથે સાથે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓના ઓડિટ અહેવાલો પણ ગૃહના મેજ પર રજૂ કરવામાં આવશે. આ અહેવાલો સરકારના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.












Click it and Unblock the Notifications
