Gujarat Budget: પાણી પુરવઠા પ્રભાગ માટે 6000 કરોડની જોગવાઇ કરાઇ
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારે બજેટ રજૂ કર્યું છે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પાણી પુરવઠા વિભાગ માટે રૂપિયા 6000 કરોડની જોગવાઇ કરાઇ છે.
Gujarat Budget: આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ 2022ની ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ પોતાની ટર્મનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પાણી પુરવઠા વિભાગ માટે રૂપિયા 6000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

લોકોના આરોગ્ય અને જીવનધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે, તે માટે રાજ્ય સરકારે ભગીરથ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના આ દિશામાં રાજ્ય સરકારની એક મોટી ઉપલબ્ધિ છે. આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ કરવામાં આવી છે.
નલ સે જલ યોજના અંતર્ગત 2602 કરોડની જોગવાઇ
આદિજાતિ વિસ્તારમાં 3052 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત 4009 કરોડની 64 યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જયારે 2592 ગામોને આવરી લેતી અંદાજીત રકમ 2362 કરોડની 66 યોજનાના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે 909 કરોડની જોગવાઇ.
સૌરાષ્ટ્રમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નાવડા, બોટાદ, ગઢડા, ચાવંડ, બુધેલ, બોરડા, ધરાઇ, ભેસાણ અને ઢાંકી, નાવડા બલ્ક પાઇપલાઇનના કામો અમલમાં મૂકવામાં આવી છે. જે કામો માટે 800 કરોડની જોગવાઇ.
બુધેલથી બોરડા સુઘીની 56 કિલોમીટર લંબાઇની બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત 376 કરોડના કામો પૂર્ણતાના આરે છે
બોટાદ, રાજકોટ અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડા થી ચાવંડ સુધીની 85 કિલોમીટર બલ્ક પાઇપલાઇનના અંદાજે 644 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.
અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની 97 કિલોમીટર બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત 1044 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.
જૂનાગઢ જિલ્લા માટેની ઘરાઇથી ભેંસાણ સુધીની પાણી પૂરું પાડવા માટેની 63 કિલોમીટર લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત 392 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.
પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાની સાથે લોકસહકારથી તેના કરકસરભર્યા ઉપયોગ માટે સરકાર પ્રયત્નશીલ છે આ હેતુસર, ગુજરાત ઘર વપરાશ પાણી(સંરક્ષણ) અધિનિયમ, 2019 અંતર્ગત પાણીનું વિતરણ કરતી 6500 ગ્રામ પંચાયતો અને 363 જૂથ યોજના હેઠળના 2000 હેડવર્ક્સ, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કરવામાં આવ્યું છે.
પાણીના પરિવહન અને વિતરણમાં જવાબદેહી લાવવા અને પાણીનો બગાડ અટકાવવા 2200 જેટલા અગત્યના સ્થળો ઉપર વોટરફ્લો મીટર લગાડવાની અને અંદાજે 500 જેટલા હેડવર્ક્સ ઉપરથી પાણીની ગુણવત્તાની માપણી અને તેના મોનિટરિંગની વ્યવસ્થા કરવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે.












Click it and Unblock the Notifications
