For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટાચૂંટણી: હાર્દિક પટેલ માટે અમરેલી જિલ્લાની આ બેઠક મહત્ત્વની કેમ?

ગુજરાત પેટાચૂંટણી: હાર્દિક પટેલ માટે અમરેલી જિલ્લાની આ બેઠક મહત્ત્વની કેમ?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં યોજાનારી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં અમરેલી જિલ્લાની ધારી બેઠકનો પણ સમાવેશ થાય છે.

ધારીના કૉંગ્રેસના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

હવે ભાજપે કૉંગ્રેસના એક સમયના ધારાસભ્ય કાકડિયાને ટિકિટ આપી છે. તો સામે પક્ષે કૉંગ્રેસ સુરેશ કોટડિયાને મેદાનમાં ઉતાર્યા છે.

ધારી બેઠક એ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે અને પાટીદારો અહીં નિર્ણાયક સાબિત થાય છે.

અગાઉ થયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનની મોટી અસર હતી.

એ સમયે સત્તાધારી ભાજપ સામે રોષ જોવા મળતો હતો. જોકે નિષ્ણાતોના મતે અહીંના મતદારો પક્ષ કરતાં ઉમેદવારને વધુ મહત્ત્વ આપે છે.


અગાઉની ચૂંટણીઓમાં કોણ જીત્યું?

વિજય રૂપાણી

અગાઉ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડિયાએ ભાજપના દિગ્ગજ ઉમેદવાર દિલીપ સંઘાણીને હરાવ્યા હતા.

જે. વી. કાકડિયાને 52.50 ટકા મત મળ્યા હતા અને ભાજપના દિલીપ સંઘાણીને 40.42 ટકા મત મળ્યા હતા.

નિષ્ણાતોના મતે અહીં પાટીદાર અનામત આંદોલનની જે તે સમયે મોટી અસર હતી.

તો વર્ષ 2012ની વિધાનસભાની વાત કરીએ તો અહીં જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી)માંથી નલિન કોટડિયા ચૂંટાઈ આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી' બનાવી હતી અને નલિન કોટડિયા તેના ઉમેદવાર હતા.

નલિન કોટડિયા જોકે માત્ર 1575 મતથી ચૂંટણી જીત્યા હતા.

2007ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી ભાજપમાંથી ભુવા મનસુખભાઈ પાંચાભાઈ ચૂંટાઈ આવ્યા હતા.

તેઓએ કૉંગ્રેસના બાલુભાઈ જીવરાજભાઈ તંતીને 17862 મતથી હરાવ્યા હતા.


પહેલી ચૂંટણીથી અત્યાર સુધીનો ચિતાર

લોકો

1962ની ચૂંટણીમાં આ બેઠક ધારી-કોડિનાર તરીકે ઓળખાતી અને અનામત (એસ.સી.) હતી. એ સમયે અહીંથી લેઉવા પ્રેમજીભાઈ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

2017, 1995, 1972, 1967, 1962માં કૉંગ્રેસના ઉમેદવાર અહીંથી ચૂંટાઈને આવ્યા છે. તો 2007, 2002 અને 1998માં ભાજપના ઉમેદવાર ચૂંટાયા હતા. તો એક વાર ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ઉમેદવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.

1962થી શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની ચૂંટણીમાં અહીં ભારતીય જનતા પાર્ટીમાંથી ત્રણ વાર ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે.

તો કૉંગ્રેસના ઉમેદવારો આ સીટ પરથી પાંચ વાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. તો મનુભાઈ કોટડિયા અહીંથી ત્રણ વાર સૌથી વધુ વાર ચૂંટાઈને આવ્યા હતા.

તેઓ જનતાપાર્ટી, જનતાપાર્ટી (જેપી) અને કિસાન મજદૂર લોક પક્ષ (કેએલપી)ની સીટ પરથી ચૂંટાઈને આવ્યા હતા.

એટલે એક રીતે જોવા જઈએ તો ધારી બેઠક પર કોઈ એક પક્ષનો ઉમેદવાર સતત ચૂંટાઈને આવે એવું બનતું નથી.


હાર્દિક અને પાટીદાર ફૅક્ટર કેટલી અસર કરશે?

ભારતીય ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, 2017ની વિધાનસભાના આંકડા પ્રમાણે ધારી બેઠક પર કુલ 2,11,917 મતદારો છે.

તેમાં 52.03 ટકા પુરુષ મતદારો અને 47.97 ટકા મહિલા મતદારો છે.

ધારી બેઠક પર સૌથી વધુ મતદારો પાટીદાર સમાજના છે અને તેઓ કોઈ પણ ચૂંટણીમાં બાજી પલટી શકવા સક્ષમ મનાય છે.

તો પાટીદાર સિવાય અહીં બીજા નંબરે સૌથી વધુ કોળી સમાજના મતદારો છે. આ ચૂંટણીમાં બંને (ભાજપ-કૉંગ્રેસ) પાટીદાર ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. તો કોળી સમાજના મતો પણ નિર્ણાયક સાબિત થઈ શકે તેવો નિષ્ણાતોનો મત છે.

તેમજ અહીં દલિત સમાજ, ક્ષત્રિય સમાજ અને લઘુમતી મતદારો પણ છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું. અહીંની અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા, રાજુલા બેઠક કૉંગ્રેસે જીતી હતી.

https://www.youtube.com/watch?v=CRNghhhDE_M

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આ ચૂંટણી એક પરીક્ષા સમાન છે.

ધારી બેઠકના મતદારો મોટા ભાગે પક્ષને નહીં પણ ઉમેદવારને વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય અનુસાર આ બેઠક પર પાટીદાર અને 'હાર્દિક ફૅક્ટર' અસર કરી શકે છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "હાર્દિક પટેલ આજે પણ ગામડાંઓમાં અને યુવાવર્ગમાં લોકપ્રિય છે, જેની અસર અહીં થઈ શકે છે."

તેઓ કહે છે, "ધારી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર બંને ઉમેદવારો પાટીદાર છે, એટલે હવે મતદારો આ બેઠક પરથી નક્કી કરશે કે પાટીદારો ભાજપ તરફી છે કે કૉંગ્રેસ તરફી."

તો એમ. એસ. યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગમાં પ્રોફેસર અમિત ધોળકિયાના મતે 'હાર્દિક ફૅક્ટર' હવે એટલું અસરકારક રહ્યું નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "પાટીદારોની નારાજગી એ ભાજપ માટે એક મોટું ફૅક્ટર નથી. આમ પણ આર્થિક રીતે નબળા વર્ગોને અનામતની ઘોષણા કરીને પણ અનામતના મુદ્દાનો છેદ ઊડી ગયો છે."

તેઓ વધુમાં કહે છે, "હાર્દિક પટેલનું જે પાટીદાર આંદોલન થયું એ હતું એ સમયે થોડા સમય માટે જ પાટીદારો ભાજપથી વિમુખ થયા હતા. અને પછીની ચૂંટણીઓ પર નજર કરીએ તો લાગે કે પાટીદારો ફરી પાછા ભાજપ તરફ વળી ગયા છે, કેમ કે પાટીદારો જ ભાજપના મુખ્ય સમર્થકો રહ્યા છે."


શું છે સ્થાનિક મુદ્દાઓ?

ગુજરાતની આ પેટાચૂંટણીમાં સામાન્ય રીતે કોઈ એક પક્ષનું મોજું જોવા મળતું નથી અને આમ પણ રાજકીય નિષ્ણાતો અનુસાર પેટાચૂંટણીમાં સામાન્ય લોકોને બહુ ઓછો રસ હોય છે.

હાલમાં ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. બેરોજગાર યુવાનો અગાઉ અને હાલમાં પણ રોજગારી માટે રજૂઆતો કરી રહ્યા છે.

તો ખેડૂતોના પાકવીમા, અતિવૃષ્ટિની રાહત વગેરેના મુદ્દાઓ પણ સ્થાનિક સ્તરે છે.

ધારી બેઠક પાટીદારોના પ્રભુત્વવાળી ગ્રામીણ અને ખેડૂત મતદારો ધરાવતી બેઠક છે. પાટીદારો જે પક્ષમાં જાય એને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

https://www.youtube.com/watch?v=KHW6pPZR3OU&t=12s

છેલ્લાં 25 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા સ્થાનિક પત્રકાર મનોજ રૂપારેલ કહે છે કે અહીં (ધારી) વ્યક્તિનો પ્રભાવ જોવા મળે છે, પક્ષનો પ્રભાવ જોવા મળતો નથી.

"આ વિસ્તારના મતદારો પરિવર્તનશીલ છે. નેતાની કાર્યશૈલી પ્રમાણે મત આપે છે."

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "2012માં જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી' બનાવી હતી ત્યારે પાટીદાર સમાજના અગ્રણી નલિન કોટડિયાએ ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ત્યારે ભાજપ ત્રીજા નંબરે હતો."

"આ વિસ્તારમાં છેલ્લાં 20-25 વર્ષમાં કોઈ વિકાસકાર્યો થયાં નથી. શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તાને લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અહીં મોટા ભાગના મતદારો ખેડૂતો છે અને ખેડૂતોના અનેક પ્રશ્નો હજુ પડતર છે. એટલે ખેડૂતોમાં પણ નારાજગી છે."

"2015થી ગુજરાતમાં જે પાટીદાર આંદોલન બાદ હાર્દિક ફૅક્ટર શરૂ થયું હતું એની સૌથી મોટી અસર અહીં ધારી બેઠક પર જોવા મળી હતી. અને લોકોએ કૉંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડિયાને જિતાડ્યા હતા."

તેમના મતે, "ભાજપે અહીં આયાતી ઉમેદવારને ટિકિટ આપી હોવાથી ભાજપને અહીં આંતરિક જૂથબંધીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નેતાઓ પણ નારાજ અને નિષ્ક્રિય થયા છે."

તો અમિત ધોળકિયા પણ માને છે કે પેટાચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ કામ કરી શકે છે.

તેઓ કહે છે, "બેમાંથી (ભાજપ-કૉંગ્રેસ) જે ઉમેદવાર પોતાની રીતે પાટીદાર સમુદાયમાં સક્ષમ હશે એ કદાચ વધુ મતો લઈ જઈ શકે છે. તો પાટીદાર ઉપરાંત પણ અન્ય સમાજના મતો પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે."

તેમના મતે, પેટાચૂંટણીમાં સામાન્ય રીતે સ્થાનિક મુદ્દા અને ઉમેદવારનો વધુ પ્રભાવ પડતો હોય છે.

કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=kW9tr1m-1B8&t=5s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gujarat bypoll: here is why dhari seat is important for hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X