ગુજરાત કોંગ્રેસે અંબાજીથી ઉમરગામ યુવા પરિવર્તન યાત્રા શરૂ કરી!
ગુજરાત કોંગ્રેસના યુવા મોરચા દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની યુવા પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતેથી ગત રોજ આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસના યુવા મોરચા દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની યુવા પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતેથી ગત રોજ આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત યુવા જનમેદનીને સંબોધતાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપના શાસનથી પ્રજા ખૂબ જ નારાજ છે. ગુજરાતના યુવાનોને ભાજપ સરકારે નશાના રવાડે ચડાવ્યા છે. ભાજપ સરકારના શાસનમાં બેરોજગારી આસમાને છે. જયારે કોરોના કાળ હતો ત્યારે લોકોની જિંદગી સાથે સરકારે ખિલવાડ કરી હતી. ભાજપની બેદરકારીના લીધે લાખો લોકોના મોત થયા હતા. જયારે કોંગ્રેસ ભારત જોડવાની વાત કરે છે ત્યારે ભાજપ હિન્દુ- મુસ્લિમોની વચ્ચે વેર ભાવના ઉભી કરીને ભારતને તોડવાની વાત કરે છે. યુવા કોંગ્રેસ જે મહેનત કરી રહી છે તેના લીધે લાગી રહ્યું છે કે કોંગ્રેસની સરકાર બનવા માટે જઈ રહી છે. કોંગ્રેસ સરકાર આવશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. રાહુલ ગાંધીના દસ વચનોનું અમલીકરણ કરવામાં આવશે. કોંગ્રેસ સરકાર યુવાનોના સપના પુરા કરશે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ યુવા પરિવર્તન યાત્રાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે ત્યારે બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦ રૂપિયાનાનું બેરોજગારીનું ભથ્થું આપવામાં આવશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ તમામ રીતે નાબૂદ કરવામાં આવશે. કોંગ્રેસ સરકાર ૧૦ લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરશે અને ૫૦ ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. શિક્ષણ ક્ષેત્રે પણ કોંગ્રેસ સરકાર બનતાની સાથે શિક્ષણ ક્રાંતિ સર્જવામાં આવશે અને મોડલ સ્કૂલ બનાવવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલ, ગોવા રબારી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના હોદેદ્દારો, જિલ્લા તાલુકાના હોદેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
