ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાત ફરી એકવાર કડકડતી ઠંડીની ઝપેટમાં આવવા તૈયાર છે. હવામાન વિભાગે ૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે, જે જાન્યુઆરીના અંત સુધી ચાલુ રહેશે. હાલ વાદળછાયા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની શક્યતા છે. તેમણે આગાહી કરી કે, ૨૦ જાન્યુઆરી સુધી ઘણા વિસ્તારોમાં ઠંડી વધુ રહેશે, જ્યારે ૨૨ જાન્યુઆરી પછી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.
ઠંડી અને કમોસમી વરસાદ પશ્ચિમી વિક્ષેપ, સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની સક્રિયતાને કારણે આવશે. આનાથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જે રવિ પાકને નુકસાન કરી શકે છે. આથી ખેડૂતોને સાવચેતી રાખવા જણાવાયું છે.
હવામાન વિભાગના તાજેતરના સંકેતો મુજબ, આગામી બે થી ચાર દિવસમાં ગુજરાતમાં કાતિલ ઠંડીમાંથી આંશિક રાહત મળશે. લઘુત્તમ તાપમાન વધતાં ઠંડી ઘટશે. ઉત્તર-દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે, પરંતુ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
વર્તમાન તાપમાનની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું. રાજ્યમાં અમરેલીમાં સૌથી નીચું ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે નલિયાનું ૧૩.૨ ડિગ્રી રહ્યું. અમદાવાદમાં ગત રાતનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોંધાયું, જે સામાન્યથી ૨.૯ ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન આશરે ૧૫ ડિગ્રી રહેવાની આગાહી કરી છે.












Click it and Unblock the Notifications
