ગુજરાતના પશુપાલકોને લીલાલ્હેર! દરરોજ ચૂકવાય છે 200 કરોડ રૂપિયા
Gujarat dairy industry : ગુજરાતનો ડેરી ઉદ્યોગ એક લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અંતર્ગત 36 લાખ દુધ ઉત્પાદકોના પ્રતિદિન 200 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય કૃષિ અને બાગાયત તેમજ પશુપાલનમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ઝડપથી વિકાસ કરી રહ્યું છે. રાજ્યના વિકાસના આ પરિબળોને કારણે નાગરિકોને ગોળ અર્થતંત્રનો લાભ મળી રહ્યો છે, અને આજે ડેરી ક્ષેત્રે ગુજરાતની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે.

ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાજ્ય તરીકે લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઉર્જા અને નવી દિશા મળી રહી છે. GCMMFની અમૂલ બ્રાન્ડે આજે તેની વૈશ્વિક ઓળખ બનાવી છે.
ગુજરાતની આ સિદ્ધિનો પાયો રાજ્યના લાખો પશુપાલકોની મહેનત છે. આણંદના બોરસદ તાલુકાના ઝરોલા ગામના રહેવાસી જયેશભાઈ શંભુભાઈ પટેલ એવા જ એક પ્રગતિશીલ પશુપાલક છે, જેમની સફળતાની ગાથા આજે દરેકને પ્રેરણા આપે છે.
સર્વેયરની નોકરી છોડી શરૂ કર્યું પશુપાલન - 51 વર્ષના જયેશભાઈ પટેલે વડોદરા અને મુંબઈમાં 18 વર્ષ સુધી સર્વેયર તરીકે કામ કર્યું હતું. તેમનો પરિવાર દોઢ એકર જમીનમાં નાના પાયે પશુપાલન કરતો હતો. સમય જતાં, વૈજ્ઞાનિક અભિગમ, અદ્યતન અભ્યાસનું જ્ઞાન ધરાવતા જયેશભાઈ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે વિસ્તરવા લાગ્યા હતા.
જયેશભાઈ પટેલે કહે છે, મેં લગભગ 10 થી 12 ગાયો રાખી છે. અમે તેમને નિયમિતપણે સમયસર ખવડાવીએ છીએ, જેથી તેઓ દરરોજ નિર્ધારિત માત્રામાં દૂધ ઉત્પન્ન કરી શકે. અમે ગાયોને રાખવા માટે શેડ બનાવ્યો છે, અને મિલ્કિંગ મશીન પણ લગાવ્યું છે. અત્યારે અમૂલમાં દૂધ પહોંચાડ્યા બાદ દર મહિને મારી આવક લગભગ 1.5 લાખ રૂપિયા છે.
જયેશભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી કુદરતી ખેતી કરે છે. તેઓ ખાતર અને જંતુનાશકો બનાવવા માટે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. આનો ઉપયોગ કરીને તેઓ પોતાની જમીનમાં શાકભાજી અને અન્ય પાકની ખેતી કરે છે. આ સાથે તેઓ ગાયના છાણમાંથી ખાતર બનાવીને નજીકના ખેડૂતોને વેચીને આવક મેળવી રહ્યા છે.
ખેડૂતો અને પશુપાલકોના હિત માટે સમર્પિત, અમૂલે ડેરી ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. અમૂલ ટીમ પશુપાલન માટે યોગ્ય તાલીમ, દૂધ પ્રાપ્તિ, કૃત્રિમ બીજદાન અને વૈજ્ઞાનિક અભિગમ આપવા માટે હંમેશા મેદાનમાં છે.
અમૂલના યોગદાન વિશે વાત કરતાં જયેશભાઈ કહે છે, અમૂલના કારણે અમને સારી બ્રીડ મળી અને તેનો સીધો ફાયદો દૂધ ઉત્પાદનમાં થયો. તેનાથી અમારી આવક વધી અને અમારો ઉત્સાહ પણ વધ્યો છે. અમૂલને કારણે, અમને જે જોઈએ છે તે મેળવવાનું શરૂ થયું છે.
જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગે જયેશભાઈ પટેલ કહે છે, હું દરેક વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપું છું. મારા જેવા ઘણા લોકો આ સમિટમાં હાજરી આપે છે, અને તેનો ઘણો લાભ મેળવે છે. મને પણ વાઈબ્રન્ટ સમિટથી ઘણો ફાયદો થયો છે.
જયેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં પશુપાલન, કુદરતી ખેતી અને તેના દ્વારા વિવિધ બિઝનેસ મોડલ વિકસાવવાની તાલીમ પણ આપે છે. તેમની પ્રેરણાથી ઘણા ખેડૂતોની આવક પણ વધી છે અને તેઓ પણ કુદરતી ખેતી તરફ વળ્યા છે.












Click it and Unblock the Notifications
