મને મારો અધિકાર આપી દો, હું શાંતિથી બેસી જઇશ: હાર્દિક પટેલ

Written By:
Subscribe to Oneindia News

પાસ કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસની અનામતની ફોર્મ્યૂલા સ્વીકારી લીધા બાદ ભાજપ તરફથી આ ફોર્મ્યૂલા અંગે અનેક સવાલો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કે હાર્દિક તરફથી એ અંગે કોઇ મુદ્દાસર સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ હાર્દિક પોતાના આંદોલન હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભા ગજવી રહ્યો છે. શુક્રવારે રાત્રે માળીયા તાલુકામાં અધિકાર સંમેલનમાં સંબોધન કરતાં હાર્દિકે કહ્યું હતું કે, ગામડે ગામડે હજારો લોકો પરિવર્તનની રાહ જુએ છે. હવે જનતાની સરકાર બનશે. હાર્દિકે આગળ કહ્યું કે, મારી લડાઇ માત્ર અને માત્ર આપણા અધિકાર માટે છે. મને રાજકારણમાં રસ નથી, મારે ચૂંટણી નથી લડવી અને રાજકારણ પણ નથી કરવું. મને મારો અધિકાર આપી દો તો હું શાંતિથી બેસી જઇશ. સત્તામાં બેઠેલા લોકોએ જનતાને તેનો અધિકાર આપવાનો હોય, પરંતુ નેતા જનતાનું લોહી ચૂસી રહ્યા છે.

hardik patel

આ પહેલા ગીર સોમનાથ જિલ્લાના તલાલા શહેરમાં યોજાયેલ મહાસંગ્રામ રેલીમાં તેણે કહ્યું હતું કે, રાજ્યમાં પાપ થતું હોય ત્યારે ત્યાંનો રાજા દોષિત કહેવાય, જેણે પાપ રોક્યું નહીં. અહીં તો રાજા સાહેબ પોતે જ પાપ કરનાર છે, તો પાપીને ક્યાં પકડવા જશે? 14 પાટીદાર યુવાનોને મારનાર સાહેબના જોડીદાર જનરલ ડાયર, કે જેણે જીએમડીસીના મેદાનમાં શાંતિ અને અહિંસા દ્વારા મહાત્મા ગાંધીના માર્ગે ચાલતા આંદોલનને ઓચિંતુ જ યુદ્ધ મેદાનમાં ફેરવી કાઢ્યું અને નિર્દોષ, બેરોજગાર અને શિક્ષિત યુવા પાટીદારોને બેફામ ઢોર માર માર્યા અને ગોળીઓ ચલાવી. પરંતુ તેમને ખબર નથી કે મારા અને તેમના આદર્શ એવા સરદાર પટેલ સાહેબે કહ્યું છે કે, તમારું સારાપણું જ તમારા માર્ગમાં અવરોધક છે, તમારી આંખને થોડી ક્રોધથી લાલ થવા દો અને અન્યાયનો મજબુત હાથથી સામનો કરો.

આ પહેલાં ગુરૂવારે રાત્રે ભાયાવદરમાં યોજાયેલ ખેડૂત આક્રોશ સભામાં પણ તેણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ભાજપ સરકાર સમાજને જોડવાને બદલે ભાગલા પાડોની નીતિ આપનાવે છે. ગમે એટલા પ્રલોભનો છતાં સમાજની એક્તા તૂટવી ન જોઇએ. હાર્દિક પટેલની આ સભામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પાટીદાર આંદોલન સમિતિના હોદ્દેદારો આવ્યા હતા અને તેમણે હાર્દિકનું સ્વાગત કર્યું હતું. સીડી કાંડ અને ભાજપના અનેક આક્ષેપો છતાં હાર્દિક પટેલની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યાં છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય કહી શકાય. જનતા ખરેખર કોની સાથે છે, એ તો 18 ડિસેમ્બરના રોજ જ નક્કી થશે.

English summary
Gujarat Election 2017: Hardik Patel addressed several rallies.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.