રેશ્માએ હાર્દિકને પૂછ્યું, જનહિત આંદોલન કે ટિકિટની દાવેદારી?

Written By:
Subscribe to Oneindia News

પાસ અને કોંગ્રેસ વચ્ચે અનામત મામલે તમામ સમજૂતી થઇ ગઇ છે, એવી વાત હજુ તો રવિવારે આવી જ હતી કે ત્યાં બંને વચ્ચે ફરી વિખવાદ થયો હોવાના સમાચાર આવ્યા હતા. એક તરફ જ્યાં દિનેશ બાંભણિયા સહિતના પાસના સભ્યો ખૂબ જોશથી કહી રહ્યા હતા કે, તેમનો પહેલો અને છેલ્લો મુદ્દો માત્ર અનામત છે અને ટિકિટ મામલે કોઇ વાતચીત થઇ જ નથી, ત્યાં કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં દિનેશ બાંભણિયા અને કેટલાક પાસના સભ્યોએ રવિવારે રાત્રે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ઘરની બહાર હોબાળો કર્યો હતો. આ સમગ્ર મામલે પૂર્વ પાસ કન્વીનર રેશ્મા પટેલે ટ્વીટ કરતાં કોંગ્રેસ અને હાર્દિક પટેલને ટોંટ માર્યો હતો. તેમણે લખ્યું હતું કે, આ જનહિતનું આંદોલન છે કે ટિકિટની દાવેદારી? હવે તો આમને ઓળખો આ છે સોદેબાજ વેપારી. કોંગ્રેસી એજન્ટો હવે તમે બેનકાબ થયા છો. તમે આંદોલનકારી નથી.

પાસ દ્વારા ક્યાંયે એ વાતની સ્પષ્ટતા કરવામાં નહોતી આવી કે, ટિકિટને કારણે તેમની અને કોંગ્રેસ વચ્ચે વિવાદ થયો છે. પરંતુ લોકોએ અનુમાન લગાવી લીધું હતું. કોંગ્રેસની પહેલી યાદીમાં પાસના બે સભ્યો લલિત વસોયા અને અમિત ઠુમ્મરને ટિકિટ આપવામાં આવી હતી. અનામત મામલે પાસ અને કોંગ્રેસ વચ્ચે થયેલ સમજૂતી તથા જે પાસ કન્વીનરોને ટિકિટ મળી છે એમને પાટીદાર સમાજ સમર્થન આપશે કે નહીં, એ અંગે હાર્દિક પટેલ સોમવારે પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરનાર હતા. પત્રકાર પરિષદ પહેલાં હાર્દિક પટેલે વાજપાયીજીની કેટલીક પંક્તિઓ ટ્વીટ કરીને લખ્યું હતું કે, રાજકારણના રંગમાં એટલા ના ડૂબી જાઓ કે વીરો શહીદ થયા એ પણ જઇ ન શકો. આની પર પણ હાર્દિક પટેલને જવાબ આપતાં રેશ્માએ લખ્યું હતું કે, જ્યારે લાગ્યું કે પાપનો ઘડો ફૂટશે, ત્યારે વાજપાયીજીની પંક્તિઓમાં આધાર શોધે છે.

reshma hardik tweet

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત મામલે પાસ અને કોંગ્રેસ વચ્ચે શું સમજૂતી થઇ છે, આખરી નિર્ણય શું લેવાયો છે એ અંગે કોઇ જાહેરાત થઇ નથી. હાર્દિક પટેલની સોમવારની પત્રકાર પરિષદ પણ રદ્દ થઇ હતી અને ત્યાર બાદ રાત્રે કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની બીજી યાદીમાં પાસ કન્વીનર અમિત ઠુમ્મરના સ્થાને અન્યને ટિકિટ આપવામાં આવી હતી. વળી મંગળવારે સવારે હાર્દિક તરફથી કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી પહેલા ભાજપને ખુશ કરવા માટે મોટા કોંગ્રેસ નેતા આ પ્રકારની રમત રમી રહ્યા છે અને તેઓ સમય આવ્યે એ બધાના નામ જણાવશે. મંગળવારે સાંજે હાર્દિક પટેલ પત્રકાર પરિષદ સંબોધે એવી શક્યતા છે. આ પત્રકાર પરિષદમાં કયા સ્ફોટક ખુલાસા થાય છે તથા પાસ અને કોંગ્રેસની અનામત અંગે શું સમજૂતી થઇ છે, એ વાત બહાર આવે છે કે કેમ, એ જોવું રહ્યું.

English summary
Gujarat Election 2017: Former PAAS convener and BJP leader Reshma Patel takes a dig at Hardik Patel over the dispute of PAAS & Congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.