"રાહુલ અનુસાર ભગવા આતંકી લશ્કર-એ-તોયબા કરતા મોટો પડકાર"

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે અમદાવાદમાં ભાજપના મીડિયા સેન્ટર ખાતે મંગળવારે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે અહીં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યો હતા. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધી હાફિઝ સઇદ અંગે ઘણું બોલ્યા છે અને ગેરજવાબદારીપૂર્ણ બોલ્યા છે.' ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદ મુંબઇ પર થયેલ 26-11 આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે અને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. રવિશંકર પ્રસાદે પણ પોતાની પત્રકાર પરિષદમાં આ અંગે નિવેદન કરતા કહ્યું કે, 'વર્ષ 2010માં 26-11ના હુમલાના બે વર્ષ બાદ અમેરિકાના એ સમયના વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન ભારત આવ્યા હતા. એ સમયના પીએમ મનમોહન સિંહે તેમને ભોજન માટે બોલાવ્યા હતા અને એ સમયે રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. અમેરિકન એમ્બેસેડર રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતા, તેમણે રાહુલને પૂછ્યું કે, લશ્કર-એ-તોયબા અંગે તમારુ શું કહેવું છે? તો રાહુલે કહ્યું હતું કે, એ તો ઠીક છે, પરંતુ દેશનું હિંદુ ટેરર વધુ મોટો પડકાર છે.'

ravishankar prasad

'ભગવા આતંક ચિંતાનો વિષય'

'એમણે અમેરિકાના એમ્બેસેડર તિમોતિ રોમરને જે વાતો કહી તે તેમણે અમેરિકન રાજદૂતને કેબલ કરી હતી. વિકીલિકે અનેક કેબલ લિક કર્યા હતા, તેમાં આ રાજદૂતે કરેલ કેબલ પણ રિલીઝ થયું હતું. જેના આધારે લંડનના ધ ગાર્ડિયનમાં ખબર છપાયી હતી, જે પછી ભારતના અન્ય સમાચાર પત્રોએ પણ એ ખબર છાપી હતી. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ ભારતના ભગવા આતંકીઓને લશ્કર-એ-તોયબા કરતા પણ મોટો પડકાર ગણાવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો.' રવિશંકર પ્રસાદે આગળ કહ્યું કે, 'રાહુલ ગાંધી માટે આ શરમજનક વાત છે અને રાહુલ અમને હાફિઝ સઇદ અંગે સવાલો કરી રહ્યાં છે!'

ભારત અને પાકિસ્તાન

'ઇજિપ્તમાં 16 જુલાઇ, 2009ના રોજ શર્મોલ શેખમાં મનમોહન સિંહ અને એ સમયના પાકિસ્તાનના પીએમ ગ્લાનિ સાહેબ વચ્ચે વાત થઇ હતી. પાકિસ્તાને કહ્યું કે, બલુચિસ્તાનમાં અમને ભારતના હસ્તક્ષેપની ચિંતા છે. શરમજનક વાત છે કે, વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનની આ ચિંતાને સ્વીકારી હતી. એ પછી ભારત અને પાકિસ્તાનનું એક જોઇન્ટ સ્ટેટમેન્ટ પણ આવ્યું હતું. 26-11ના માત્ર થોડા મહિના બાદ જ આ સ્ટેટમેન્ટ આવ્યું હતું. દેશહિત સાથે આનાથી મોટું સમાધાન કોઇ ના હોઇ શકે. ઉરી પછી પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું, પુરાવો આપો. ભારતના સૈનિકો, રાતના અંધારામાં જઇ કાર્યવાહી કરી આવ્યા, આખી દુનિયામાં આ સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ થયા અને રાહુલ ગાંધી પુરાવો માંગતા હતા! રાહુલ ગાંધી અને તેમની પાર્ટી કેટલી જવાબદાર છે એ સ્પષ્ટ છે.'

પાટીદાર અનામત મુદ્દે

50 ટકા અનામતના મુદ્દાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે, 'કોંગ્રેસ સ્પષ્ટ કરે કે, 50 ટકાને ક્રોસ કરવાનો તમારો રોડમેપ શું છે? કઇ રીતે અનામત આપશે તે સ્પષ્ટ જણાવે. માત્ર મતોની રમત માટે થતો આ દેખાડો, છળ બંધ થવા જોઇએ.' તેમણે સુપ્રીમ કોર્ટના 7 નિર્ણયોનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, 'તમામ ચૂકાદાઓમાં જજોની બેંચે 50 ટકાથી વધુ અનામતની વાત નકારી છે. મને જાણકારી મળી છે કે, એ લોકો બંધારણની 31 C કલમનો આધાર લેવાના છે, જે 1971માં લાગુ થઇ હતી. 1971 પછીના જ આ 7 નિર્ણયો છે. હવે આ કયું છળ ચાલે છે? પછી જાણકારી મળી કે, કપિલ સિબ્બલ એ લોકોને સલાહ આપી રહ્યા છે. તેઓ શ્રેષ્ઠ વકીલ છે, એ વાત ચોક્કસ! પરંતુ તેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી મનમોહન સરકારને યોગ્ય સલાહ આપી હોત, તો 2જી ગોટાળો, કોલસા કૌભાંડ, આદર્શ ગોટાળો, સબમરિન ગોટાળો ના થયો હોત. હવે આ અહીં સલાહ આપવા આવ્યા છે. મત માટે પટેલ સમાજના યુવાનો સાથેનું છળ બંધ થવું જોઇએ. કોંગ્રેસ પાર્ટીને અનેક વર્ષ બાદ આવ્યું છે કે, સરદાર પટેલ કોંગ્રેસના અધ્યક્ષ હતા. એ તો તમારા જ હતા, પરંતુ તમે એમની સાથે કેવો વ્યવહરા કર્યો? એ સવાલ છે. તકવાદને જોતાં એ લોકો સરદારને મોટ કરી રહ્યાં છે, પરંતુ તેમણે સરદાર પટેલનું જે અપમાન કર્યું એનું શું?'

English summary
Gujarat Election 2017: Union Minister Ravishankar Prasad addresses press conference, attacks Rahul Gandhi over terrorist attack.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.