ગુજરાત ચૂંટણીમાં પાટીદારોએ કોંગ્રેસને મત કેમ ન આપ્યા?
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણી ઘણી રીતે ખાસ હતી. આ વખતે ફરી એકવાર ભલે ભાજપ જ સરકાર બનાવવા જઇ, પરંતુ રાજકીય સમીકરણોમાં અનેક પરિવર્તન જોવા મળ્યા છે. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણી ઘણી રીતે ખાસ હતી. આ વખતે ફરી એકવાર ભલે ભાજપ જ સરકાર બનાવવા જઇ, પરંતુ રાજકીય સમીકરણોમાં અનેક પરિવર્તન જોવા મળ્યા છે. ગુજરાતીઓએ કોંગ્રેસ અને ભાજપ બંનેની અપેક્ષાઓથી વિરુદ્ધ મત આપ્યાં છે. છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ માટે આ વિજય ઘણો ઝાંખો કહી શકાય, વર્ષ 1995 પછી પહેલીવાર ભાજપ પાસે 100થી ઓછી બેઠકો છે. કોંગ્રેસનું પ્રદર્શન, અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં જોડાવું, હાર્દિક પટેલનું પાટીદાર આંદોલન અને જિજ્ઞેશ મેવાણીનું આંદોલન, રાજ્યમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી વગેરે જેવા કારણોસર ભાજપને મોટો ફટકો પડ્યો. અનેક પ્રયત્નોને અંતે ભાજપ પોતાની વિજયપતાકા લહેરાવવામાં સફળ થયું છે.

ભાજપની જીત તો થઇ પરંતુ...
વર્ષ 2002થી નરેન્દ્ર મોદીના નામે ભાજપ ગુજરાતમાં બધી ચૂંટણીઓ જીતતું આવ્યું છે, પરંતુ વર્ષ 2017ના પરિણામો બાદ લાગે છે કે ભાજપે પોતાની રણનીતિ અંગે ફરી વિચાર કરી એમાં સુધારા-વધારા કરવાની જરૂર છે. મોટાભાગના ધારાસભ્યોની જીત પીએમ નરેન્દ્ર મોદીના નામને કારણે થઇ છે, મતદારો સાથે ધારાસભ્યોનો સંવાદ ખૂબ સીમિત છે. ભાજપના કાર્યકર્તાઓનો એક આખો વર્ગ ઘણો નિરુત્સાહી હતો.

અહીં હાર્યું ભાજપ!
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું છે. અહીં 54માંથી માત્ર 23 બેઠકો ભાજપના ફાળે આવી છે. કચ્છની 6માંથી 5 બેઠકો ભાજપના હાથમાં હતી અને એક કોંગ્રેસના હાથમાં તથા સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી 30 ભાજપના કબજામાં હતી. હવે ભાજપના હાથમાં 19 અને કોંગ્રેસના હાથમાં 28 બેઠકો છે. આ આંકડા સાબિત કરે છે કે કાઠિયાવાડી પટેલોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. વર્ષ 1985ની ચૂંટણીના પરિણામો પણ કંઇક આવા જ હતા, એ સમયે પણ કચ્છની 6માંથી 5 બેઠકો પર કોંગ્રેસ વિજયી થઇ હતી અને સૌરાષ્ટ્રની 52માંથી 43 બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ હતી. આ ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 149 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.

જીએસટી અને નોટબંધી
જીએસટી અને નોટબંધીના નિર્ણયોના સૌથી મોટા પડઘા સુરતમાં પડ્યા હતા, પરંતુ એની નકારાત્મક અસર ભાજપ પર થઇ નથી. સુરતમાં તમામ 12 બેઠકોપર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી પ્રચારમાં આ બે મુદ્દાઓ લઇને ભાજપ પર ખૂબ પ્રહારો કર્યા હતા. સુરતમાં વેપારીઓના વિરોધને જોતાં રાહુલ ગાંધીએ પણ ખૂબ આ મુદ્દાઓ પર ખૂબ ભાર મુક્યો હતો. જીએસટી લાગુ થયા બાદ સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ 22 દિવસ લાંબી હડતાલ કરી હતી. હીરા બજાર અને વેપાર પર પણ તેની ખાસી અસર થઇ હતી. મૂળ સૌરાષ્ટ્રના વતનીઓના હીરા વેપારમાં અમરેલી, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢથી આવેલ કારીગરો પણ રોકાયેલા છે. આમ છતાં આ સૌએ ભાજપને મત આપ્યા છે. રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહેતા તેની હાંસી ઉડાવી હતી અને સુરતમાં આ જ થિમ સાથે રેલીનું પણ આયોજન કર્યું હતું. જો કે, કોંગ્રેસના આ સઘળા પ્રયત્નોની ધારેલી અસર વેપારીઓ પર થઇ નથી. તેમણે પોતાના વેપારને પ્રોત્સાહન આપતા પક્ષને મત આપ્યા છે.

શહેરી મતદારોને રિઝવી ન શકી કોંગ્રેસ
આ પરથી કહી શકાય કે, કોંગ્રેસ શહેરી મતદારોને પોતાની તરફ ખેંચવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ પાસે છણાવટભર્યો મેનિફેસ્ટો હતો, રાજ્ય સરકાર વિરોધી લહેર હતી, પરંતુ વ્યવસ્થિત સંગઠન અને સ્થાનિક આગેવાનના અભાવે તેઓ લોકોને રિઝવવામાં નિષ્ફળ રહ્યાં છે. રાજ્ય સરકારથી અસંતુષ્ટ ગુજરાતીઓએ ચોક્કસ કહ્યું હતું કે, તેઓ ભાજપને પાઠ ભણાવવા માંગે છે, પરંતુ એવું ક્યારેય નહોતું કહ્યું કે તેઓ કોંગ્રેસને મત આપશે. જો કે, પાટીદારોનું વર્ચસ્વ ધરાવાતા વિસ્તારોમાં ભાજપના મતમાં ઘટાડો ચોક્કસ થયો છે. કામરેજમાં 7 ટકા, વરાછામાં 6 ટકા, કતારગામમાં 4 ટકા અને કરંજમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

પાટીદારો કોની સાથે?
પાટીદાર સમાજના દબદબાવાળા વિસ્તારમાં લોકોએ અલગ-અલગ રીતે મતદાન કર્યું છે. ક્યાંક ભાજપને તો ક્યાંક કોંગ્રેસને મત મળ્યા છે. અમરેલી અને મોરબીની તમામ 8 બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ છે. રાજકોટના ધોરાજીમાં પૂર્વ પાસ કન્વીનર લલિત વસોયાનો વિજય થયો છે. જૂનાગઢની કેશુભાઇ પટેલની વિસાવદર બેઠક પણ કોંગ્રેસના ફાળે ગઇ છે. મહેસાણાના ઉંઝામાં પણ કોંગ્રેસનો વિજય થયો છે. આ વિસ્તારોમાં પાટીદારોએ હાર્દિક પટેલનું સમર્થન કરતાં કોંગ્રેસને મત આપ્યા છે. આનાથી વિરુદ્ધ પરિણામ સુરતની વરાછા, કતારગામ અને કામરેજ વિસ્તારોમાં લોકોએ ભાજપને જ મત આપ્યા છે. અનામત આંદોલન બાદ વર્ષ 2015ની મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં અહીં કોંગ્રેસને મત મળ્યા હતા.












Click it and Unblock the Notifications
