
Gujarat Election Result: ઓવૈસીની પાર્ટીને મળ્યા NOTA કરતા પણ ઓછા મત
ગુજરાત વિધાનસભાની તમામ 182 વિધાનસભા બેઠકો પર મતગણતરી થઈ હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. ભાજપને 156 બેઠક સાથે રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મળી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસનો 37 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યમાં ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 127 બેઠકો હતું, જે તેને 2002ની ચૂંટણીમાં મળી હતી. ભાજપે માત્ર આ આંકડો જ પાર નથી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનો 1985માં 149 બેઠકોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાને મુસ્લિમ શુભેચ્છક ગણાવીને વોટ માંગ્યા હતા પણ ગુજરાતની મુસ્લિમ બહુમતીવાળી જમાલપુર-ખાડિયા બેઠક પર પણ એમને વોટ મળ્યા નહતા. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને એ સીટ પરથી જીત મળી છે. જ્યારે AIMIMના ઉમેદવાર સાબીર કાબલીવાલાને ખાસ્સા વોટ મળ્યા નહતા. જણાવી દઈએ કે સાબીર કાબલીવાલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના રાજ્ય અધ્યક્ષ પણ છે.
ગુજરાતમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી (AIMIM)ની મુશ્કેલીનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે NOTAને પણ AIMIM કરતા વધુ વોટ મળ્યા છે. હાલ ગુજરાતની જનતાએ અસદુદ્દીન ઓવૈસીને ફગાવી દીધા છે.
ફાઇનલ રિઝલ્ટ મુજબ ભાજપને અત્યાર સુધીની 156 બેઠક વાળી ઐતિહાસિક જીત મળી છે, જ્યારે કોંગ્રેસના ખાતે ફક્ત 17 બેઠકો આવી છે. તેની સામે આમ આદમી પાર્ટીને 5 સીટ મેળવીને સંતોષ માનવો પડ્યો છે. આ બધાની વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની AIMIMની હાલત વધુ ખરાબ છે. ગુજરાતમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી. રિપોર્ટ અનુસાર AIMIM ને માત્ર 0.33 ટકા વોટ મળ્યા જે NOTA કરતા પણ ઓછા છે. જણાવી દઈએ કે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં વ્યાપક પ્રચાર કર્યો હતો અને તેમાં એમને કતલખાનાનો મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો પણ એ મુદ્દાની જરા પણ અસર દેખાઈ નહીં.