ગુજરાત સરકારે આજે સાત નવા જિલ્લાની જાહેરાત કરી
અમદાવાદ, 14 ઑગસ્ટ: ગુજરાત સરકારે ગત રાત્રે મંગળવારે સાત નવા જીલ્લા બનાવવાની જાહેરાત કરી છે. આ જિલ્લાઓની જાહેરાત બાદ હવે ગુજરાતના 26 જિલ્લાઓમાં સાત ઉમેરાઇને કૂલ 33 જિલ્લાઓ થઇ જશે. આ સાથે ગુજરાત સરકારે આજે આ તમામ જિલ્લાઓના કલેક્ટરોની નિમણૂંક પણ કરી દીધી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે સાત નવા જિલ્લાઓમાં અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, મોરબી, મહીસાગર, ગિર-સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને આ નવા જિલ્લાઓ 15 ઓગસ્ટથી અસ્તિત્વમાં આવી જશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી પહેલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન વિભિન્ન જિલ્લાઓ અને તાલુકાઓના ગઠનની જાહેરાત કરી હતી. જેની ગઇકાલે અધિકારીક જાહેરાત કરવામાં આવી છે અને 15મી ઑગસ્ટના રોજ જિલ્લાઓ કાયદાકીય રીતે અમલમાં લવાશે.આ ઉપરાંત ગુજરાત સરકારે આજે આ સાતેય નવા જિલ્લાના કલેક્ટરોની નિમણૂંક પણ કરી દીધી છે અને તેમના નામોની યાદી પણ જાહેર કરી દીધી છે. જે આ મૂજબ છે.
સાત નવા જિલ્લા અને તેના કલેક્ટર
અરવલ્લી - બી.જે. ભટ્ટ
બોટાદ - નરમા વાળા
છોટા ઉદેપુર - જૈનું દેવના
મોરબી - શૈલેશ રાવલ
મહીસાગર - પ્રફુલ્લ હર્ષે
ગિર-સોમનાથ - સી.પી. પટેલ
દેવભૂમિ દ્વારકા - ડી.પી જોશી