વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન શૌચાલયમાંથી જોડાવાનું વ્યક્તિને પડ્યું ભારે, મળ્યો ₹1 લાખનો દંડ
ગુજરાત હાઈકોર્ટએ શૌચાલયમાં બેઠા હાલતમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાયેલા એક વ્યકતિ વિરુદ્ધ નોંધપાત્ર પગલું લીધું છે. આ ઘટનાના પગલે, પુરુષને અદાલતના રજિસ્ટ્રીમાં રૂ. 1 લાખ જમા કરવા આદેશ આપાયો છે.

આ ઘટના 20 જૂનના રોજ થઈ હતી, જ્યારે ન્યાયમૂર્તિ નિર્જર એસ. દેસાઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. દરમિયાન, સમદ અબ્દુલ રહેમાન શાહ નામના પુરુષે શૌચાલયમાં બેઠા હાલતમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજરી આપી. તેની વિડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં, હાઈકોર્ટએ suo motu (સ્વપ્રેરિત) અભમાની કાર્યવાહી શરૂ કરી હતી.
સોમવારે, ન્યાયમૂર્તિઓ એ.એસ. સુપેહિયા અને આર.ટી. વાછાણીની ખંડપીઠે શાહને 22 જુલાઈ સુધીમાં રૂ. 1 લાખ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો. કોર્ટે જણાવ્યું હતું કે, "અભમાની વ્યક્તિએ પોતાનું વર્તન સ્વીકારી લીધું છે અને બિનશરતી માફી માંગવા તૈયાર છે. તેથી, આગામી સુનાવણી સુધીમાં રૂ. 1 લાખ જમા કરાવવાનું નિર્દેશ આપવામાં આવે છે."
કોર્ટમાં રજૂ થયેલા અહેવાલ અનુસાર, શાહ 20 જૂને કુલ 74 મિનિટ માટે સુનાવણીમાં જોડાયેલો હતો, જેના દરમિયાન તે શૌચાલયમાં દેખાયો હતો અને પોતાનું પ્રાકૃતિક કાર્ય કરી રહ્યો હતો.
શાહના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, તેમના ક્લાયંટ પોતાના વર્તન માટે ખેદ વ્યક્ત કરવા તૈયાર છે. વકીલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમણે શાહને યોગ્ય રીતે રજૂ થવાની સલાહ આપી હતી, ત્યારે તેમણે હા પાડી હતી.
આ ઘટના પછી કોર્ટએ આ વિડિઓ તરત જ દૂર કરવા અને તેનું ફેલાવા પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તે ન્યાયવ્યવસ્થાની છબીને નુકસાન પહોંચાડે છે.
કોરોના મહામારી પછી, ગુજરાત હાઈકોર્ટે વકીલો અને પક્ષકારોને વર્ચ્યુઅલ રીતે જોડાવાની મંજૂરી આપી છે અને સુનાવણીઓ યુટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવે છે.
વિડિઓમાં શાહ શૌચાલયમાંથી પોતાનો મોબાઈલ ઉપાડતો અને બહાર જતો દેખાઈ રહ્યો છે. થોડીવાર પછી તે ફરીથી રૂમમાંથી કનેક્ટ થાય છે અને પોતાની વારે રાહ જુએ છે. લગભગ 10 મિનિટ પછી તેણે પોતાનું નામ અબ્દુલ સમદ શાહ તરીકે ઓળખાવ્યું અને જણાવ્યું કે તે સુરત જિલ્લાના કીમ ગામનો રહેવાસી છે અને એ એક મારામારીના કેસમાં ફરીયાદી છે.
શાહના વકીલોએ કોર્ટને જણાવ્યું કે, શાહે બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. આરોપીઓએ FIR રદ કરવા અરજી કરી હતી. ન્યાયમૂર્તિ દેસાઈએ શાહને પૂછ્યું કે શું તેમને કોઈ વાંધો છે? શાહે ના પાડી, એટલે કોર્ટે અરજી મંજૂર કરી લીધી.












Click it and Unblock the Notifications
