ગુજરાતમાં આવતા અઠવાડીયા દરમિયાન કેવુ હવામાન રહેશે?
ગુજરાતમાંથી હવે શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના પગરવ શરૂ થઈ ગયા છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં આકરી ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પવનની દિશા બદલાવાને કારણે તાપમાન 37 થી 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

અમદાવાદ સહિત રાજકોટ અને ભુજમાં અત્યારથી જ મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. લોકો અત્યારથી જ બપોરના સમયે અકળાવનારી ગરમી અને લૂનો અનુભવ કરી રહ્યા છે.
હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે 5 માર્ચ બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પારો 40 ડિગ્રીને વટાવી જશે. જોકે આગામી 10 દિવસ સુધી માવઠાની કોઈ શક્યતા ન હોવાથી ખેડૂતોએ રાહત અનુભવી છે.
વડોદરા, અમરેલી, ગાંધીનગર અને ડીસા જેવા વિસ્તારોમાં પણ સરેરાશ તાપમાન 35 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો આવો મિજાજ જોઈને લોકો આગામી દિવસો માટે ચિંતિત છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 માર્ચ પછી રાજ્યમાં અતિશય ગરમી પડશે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના વાતાવરણમાં આગામી દિવસોમાં પલટો જોવા મળી શકે છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ હવે ઠંડી ગાયબ થઈ રહી છે અને આકાશ સ્વચ્છ રહેવાની આશા છે. માર્ચની શરૂઆતમાં દિલ્હીનું તાપમાન 29 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.












Click it and Unblock the Notifications
