For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળથી પાટીદારો કેટલા ખુશ થશે?

ગુજરાત : ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળથી પાટીદારો કેટલા ખુશ થશે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગત રવિવારે ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત જેટલી જ ચોંકાવનારી ગુરુવારે નવા મંત્રીમંડળનાં નામોની જાહેરાત પણ રહી.

શનિવારે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ સર્જાયેલી પરિસ્થિતિથી ગુજરાતના રાજકારણમાં સમગ્ર દેશને રસ પડ્યો હતો.

નવા મંત્રીમંડળમાં નામોની જાહેરાત થતાંની સાથે રાજકીય વિશ્લેષકોએ વિવિધ અર્થઘટનો કરવાનું શરૂ કરી દીધું છે.

નોંધનીય છે કે ભાજપે આ મંત્રીમંડળમાં સાત પાટીદારોને સમાવ્યા છે.

આગામી ચૂંટણીમાં ગુજરાતનું આ નવું મંત્રીમંડળ અને પાટીદાર મુખ્ય મંત્રી એક યા તો બીજા કારણે ભાજપથી વિમુખ થઈ ગયા છે તેમને આકર્ષવામાં સફળ થશે કે કેમ? એ અંગે પણ નિષ્ણાતો પોતાના મતો વ્યક્ત કરી રહ્યા છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.


નવું મંત્રીમંડળ પાટીદારોને ભાજપ તરફ આકર્ષી શકશે?

નવા મંત્રીમંડળની સંરચના અને તેમાં સમાવિષ્ટ કરાયેલાં પાટીદાર નામો ગુજરાતમાં ભાજપથી વિમુખ થઈ ગયેલા પાટીદારોને પાછા પક્ષ તરફ આકર્ષી શકશે કે કેમ તે અંગે વાત પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદીનું માનવું છે કે આ મંત્રીમંડળની સંરચના અને તેમાં સામેલ કરાયેલાં પાટીદાર નામો માત્રથી જ પાટીદારોનું સમર્થન ભાજપને નહીં મળે.

તેઓ કહે છે કે, "પાટીદાર સમાજમાં વડીલોનું સન્માન હોય છે, પરંતુ આ વખત ભાજપે નવાં નામો પર વધુ ભાર મૂક્યો છે. અને પીઢ નેતાઓને દૂર રાખ્યા છે. આ વ્યૂહરચના પક્ષ માટે પાટીદારોને આકર્ષવાના હેતુને સિદ્ધ તો નહીં જ કરી શકે."

જોકે, રાજકીય વિશ્લેષક મનીષી જાની દીપલ ત્રિવેદી કરતાં જુદો અભિપ્રાય ધરાવે છે.

તેઓ કહે છે કે, "ભાજપથી કોઈને કોઈ કારણસર વિમુખ થયેલા પાટીદારો ફરીથી મંત્રીમંડળમાં પાટીદાર નામોના સામેલ થવા માત્રથી સંતુષ્ટ થઈ જશે કે નહીં તે ધારવું અત્યારે ઉતાવળ ગણાશે."

"આ તો સમય જતાં જ સ્પષ્ટ થશે કે ભાજપે જો પાટીદારોને આકર્ષવા માટે જ આ બધી કવાયત કરી હતી તો તે સફળ થઈ છે કેમ?"


નવું મંત્રીમંડળ ગુજરાતમાં સફળતા અપાવશે?

નવું મંત્રીમંડળ ગુજરાતમાં આગામી ચૂંટણીમાં ભાજપને સફળતા અપાવવામાં કેટલું સફળ રહેશે?

તે અંગે વાત કરતાં દીપલ ત્રિવેદી જણાવે છે કે, "આ અંગે હાલ વાત કરવું થોડી ઉતાવળ ગણાશે, પરંતુ આવનારા બે-ત્રણ મહિનામાં ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. આ નવાં નામો કેટલી કાર્યક્ષમતા સાથે કામ કરી બતાવે છે તેના પર આ વાતનો આધાર રહેલો છે."

જ્યારે રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ જણાવે છે કે, "નવા મંત્રીમંડળમાં સામેલ કરાયેલાં નવાં નામો ભાજપે ભલે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને નક્કી કર્યાં હોય, પરંતુ તે તેમને લાભ નહીં કરાવી શકે એવું મારું માનવું છે."

તેઓ વધુમાં કહે છે કે રાજ્યમાં સર્જાયેલી સત્તાવિરોધી લહેરનો સામનો કરવા માટે કદાચ આ પગલું ભરાયું છે, પરંતુ તે ભાજપને અપેક્ષિત લાભ મેળવી આપે તેની શક્યતા ઘણી ઓછી છે.

મનીષી જાની આ વિશે વાત કરતાં કહે છે કે, "ગુજરાતની જનતા માત્ર નવાં નામોથી આકર્ષાઈને આગામી ચૂંટણીમાં ભાજપને મત આપશે એવું મને નથી લાગતું, કારણ કે આ સરકારમાં મોટાં ભાગનાં નામો અને ચહેરાથી લોકો પરિચિત નથી."


પાટીદાર ભાજપથી વિમુખ કેમ થયા?

પાટીદાર આંદોલન બાદથી શરૂ થઈ ભાજપથી પાટીદારોના વિમુખ થવાની પ્રક્રિયા

ગુજરાતમાં વર્ષોથી ભાજપના શાસન માટે પાટીદાર ફૅક્ટર મોટું પરિબળ મનાતું આવ્યું છે. ગુજરાતમાં પટેલોના મત નિર્ણાયક સાબિત થતા હોય છે. તેથી ભાજપ સહિત દરેક રાજકીય પક્ષ આ જ્ઞાતિને પોતાની તરફ આકર્ષવા માટે મથે છે.

પરંતુ વર્ષ 2015માં આનંદીબહેનની સરકાર વખતે થયેલા પાટીદાર અનામત આંદોલન બાદથી ગુજરાતના પટેલો ભાજપથી થોડા-ઘણા અંશે વિમુખ થયા હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત રહ્યા છે.

તેથી જ વર્ષ 2012ની ચૂંટણીમાં વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 115 બેઠક મેળવનાર ભાજપ વર્ષ 2017માં માત્ર 99 બેઠકો જ મેળવી શક્યો હતો.

તેમજ વર્ષ 2015માં ગુજરાતમાં થયેલી પંચાયતની ચૂંટણીઓમાં પણ જિલ્લા સ્તરે ભાજપને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.

તેમજ વર્ષ 2020માં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં પણ સુરતમાં આમ આદમી પાર્ટીનો વિકલ્પ દેખાતાં ઘણા પાટીદારોએ 'આપ' પર પોતાની પસંદગી ઉતારતાં સુરત મહાનગરપાલિકામાં 'આપ'ને મુખ્ય વિપક્ષ બનાવ્યો હતો.

તેમજ ઘણા પાટીદાર અગ્રણીઓ અને તેમના સમર્થકો સુરત તેમજ રાજ્યનાં અન્ય સ્થળોએ આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો સાથે જોડાતાં રાજકીય વિશ્લેષકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી ચૂંટણીમાં પરંપરાગત રીતે ભાજપને પક્ષે રહેતા પાટીદારો આ વખત અન્ય પક્ષોને પણ પોતાના મતરૂપી આશીર્વાદ આપી શકે છે.

નોંધનીય છે કે રાજ્યમાં તાજેતરમાં સત્તાપલટો થયો એના અમુક મહિના પહેલાંથી ગુજરાતમાં પાટીદાર મુખ્ય મંત્રી બનાવવાની માગણીએ જોર પકડ્યું હતું.

જે તાજેતરમાં જ સંતોષી ભાજપના મોવડીમંડળે ગુજરાતના પટેલોને આકર્ષવાની વ્યૂહરચના ઘડી હોવાનું મનાઈ રહ્યું છે.

હવે એ જોવું રહ્યું કે ભાજપના મોવડીમંડળની આ વ્યૂહરચના કેટલી સફળ થશે?


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=pvMeUT7z640

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gujarat: How happy will Patidars be with Bhupendra Patel's new cabinet?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X