ગુજરાત સરકારે રસાયણ, કૃષિ અને ખનિજ ક્ષેત્રે ૧૩૭૧ કરોડથી વધુના રોકાણને મંજૂરી આપી
ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને વેગ આપવા માટે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કુલ 1,371 કરોડ રૂપિયાથી વધુના નવા રોકાણોને મંજૂરી આપવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ હાઈ-લેવલ કમિટીમાં ત્રણ મોટા પ્રોજેક્ટ્સ પાસ કરાયા છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યમાં વધુમાં વધુ રોજગારીની તકો ઉભી કરવાનો છે.

આત્મનિર્ભર ગુજરાત-2022 યોજના હેઠળ ભરૂચમાં કેમિકલ સેક્ટર માટે 491 કરોડનું રોકાણ કરાશે. જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ફૂડ અને એગ્રો સેક્ટર માટે 402 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
વડોદરામાં મિનરલ્સ ક્ષેત્રે 478 કરોડના રોકાણ સાથે નવા ઉદ્યોગને આખરી મંજૂરી આપી દેવાઈ છે. આ તમામ પ્રોજેક્ટ્સને વ્યાજ સબસિડી અને SGST વળતર જેવા વિવિધ સરકારી લાભો મળવાપાત્ર થશે.
રાજ્ય સરકારના ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરાઈ છે. ઓનલાઈન સિસ્ટમને કારણે માત્ર બે મહિનામાં જ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં ટેક્સટાઈલ ક્ષેત્ર માટે પણ એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 11 નવા ટેક્સટાઈલ યુનિટો સ્થાપવા માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે.
ટેક્સટાઈલ સેક્ટરમાં અંદાજે 668 કરોડનું રોકાણ થશે જેનાથી 1,400 થી વધુ લોકોને નોકરી મળશે. આ પ્રોજેક્ટ્સ માટે આગામી પાંચ વર્ષમાં સરકાર 202 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે.












Click it and Unblock the Notifications
