કોરોના વાયરસનો ખોફઃ રાજ્યમાં જનતા કરફ્યૂનું સજ્જડ પાલન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'જનતા કર્ફ્યુ'ની અપીલ કરી હતી. આજે જનતા કર્ફ્યુના પગલે અનેક રાજ્યોમાં રેલવે, બસ સહિતના જાહેર પરિવહન સેવા સજ્જડ બંધ જોવા મળી રહી છે.
કોરોના વાયરસનો ખોફ સમગ્ર વિશ્વમાં વર્તાઇ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં દેશમાં 321 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 39 વિદેશી છે. ત્યારે, અત્યાર સુધીમાં કોરોના ના કારણે ચાર લોકોના મોત પણ થઈ ચુક્યા છે. હાલમાં 281 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે, 23 દર્દી સાજા થઈ ગયા છે. ભારત માટે હાલ રાહતની વાત એટલી છે કે મૃત્યુઆંકમાં વધારો નથી થયો. જોકે, પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે.

વડાપ્રધાને કરી જનતા કરફ્યૂની અપીલ
આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'જનતા કર્ફ્યુ'ની અપીલ કરી હતી. આજે જનતા કર્ફ્યુના પગલે અનેક રાજ્યોમાં રેલવે, બસ સહિતના જાહેર પરિવહન સેવા સજ્જડ બંધ જોવા મળી રહી છે. રસ્તાઓ અને જાહેર સ્થળો સુમસામ જોવા મળી રહ્યા છે. જાહેર દુકાનો, મોલ, શોપિંગ સ્થળો સહિત તમામ બંધ કરવામાં આવ્યા છે. રેલવેએ 700થી વધુ ટ્રેનો રદ કરી દીધી છે. જનતા કર્ફ્યુના દિવસે 3,700 ટ્રેનો બંધ રહેશે જ્યારે 1,000 ફ્લાઈટ્સ પણ રદ કરી દેવાઈ છે.

રાજ્યમાં 25 માર્ચ સુધી રહેશે શટડાઉન
ગુજરાતમાં રાજ્ય સરકારે 25 માર્ચ સુધી સંપુર્ણ શટડાઉન કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાને જનતા કર્ફ્યુની હાકલને પગલે રવિવારે મોટાભાગની સરકારી અને ખાનગી સંસૃથાઓએ તેમની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે. જોકે, પોલીસ, મીડિયા, મેડિકલ સેવાઓ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને તેમને બિરદાવવાની અપીલ પણ કરી હતી.

શનિવારથી જ જનજીવન થયુ ઠપ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કર્ફ્યૂની અપીલ કરી હોવા છતાં શનિવારથી જ જનજીવન ઠપ્પ થવા લાગ્યુ હતું. જાહેર આવાગમન અને પરિવાહન સેવા તેમજ સરકારી કચેરીઓ ગત રોજથી બંધ કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
