ગુજરાતમાં મેઘરાજાની મહેર, અત્યાર સુધી સિઝનનો 30% વરસાદ, 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરીથી મહેર કરી છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરીથી મહેર કરી છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 30% વરસાદ વરસી ગયો છે તેમાં પણ છેલ્લા 48 કલાકમાં સિઝનના કુલ વરસાદના 6.66 ટકા વરસાદ પડ્યો. રાજ્યના તમામ 251 તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. વળી, બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હવામાન વિભાગે હજુ 30 જુલાઈ સુધી રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.19 ટકા વરસાદ
તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી 32.58 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યના 25 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ, 88 તાલુકામાં 10થી 20 ઈંચ, 96 તાલુકામાં 5થી 10 ઈંચ અને 39 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.19 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 31.89 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 30.08 ટકા, ઉત્તર ગુજરાતમાં 28.16 ટકા અને કચ્છમાં 30.25 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે જેમાં વલસાડમાં 33.70 ઈંચ, નવસારીમાં 25 ઈંચ અને ડાંગમાં 40 ઈંચ વરસાદ થયો છે. વળી, કપરાડા તાલુકામાં સૌથી વધુ 43.77 ઈંચ, ઉમરગામ તાલુકામાં 36.81 ઈંચ, ખેરગામમાં 34.76 ઈંચ અને વાપીમાં 34.13 ઈંચ વરસાદ વરસ્યો છે.

સતત વરસાદના કારણે વાહન વ્યવહાર બંધ
ઉલ્લેખનીય છે કે રાજકોટના ધોરાજી તાલુકામાં મોટીમારડ ગામમાં માત્ર 3થી 4 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગામની નદીમાં પૂર આવ્યુ હતુ. નદીના પાણી ગામમાં આવી ગયા હતા. 45 વર્ષ જૂનો એક જર્જરિત પુલ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. સતત વરસાદના કારણે માર્ગો બંધ થઈ જતા 51 પંચાયત રસ્તા, 1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સતત વરસાદના કારણે ચેકડેમ અને ગામડાઓના આંતરિક રસ્તાઓને પણ ભારે નુકશાન થવા પામ્યુ છે.

5 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે બંગાળના અખાતમાં લો પ્રેશર સક્રિય રહેતા રાજ્યમાં મેઘમહરે હજુ 4 દિવસ યથાવત રહેશે. આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વળી, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ, દમણ, દાદરનગર હવેલી, ગીર, સોમનાથ, જામનગર, પોરબંદર, ભાવનગર સહિતના સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી છે. 29 જુલાઈએ અમુક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
