Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ વરસાદની રાહત નહીં, આ જિલ્લાઓમાં આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ વરસાદની વિદાય નથી થઈ રહી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની એન્ટ્રી જોવા મળી શકે છે.
હાલમાં બે સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસી શકે છે.

આ સિસ્ટમ કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય છે, જે રાજ્યમાં વરસાદ લાવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જી રહી છે. આ સિવાય બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમ ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ લાવી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.
વરસાદ સાથે આ સમયગાળા દરમિયાન 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમના મતે, 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ચોમાસું વિદાય લેવા માટે તૈયાર છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.












Click it and Unblock the Notifications
