રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
અરબ સાગર પર સર્જાયેલા લો પ્રેશરના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
અમદાવાદઃ વાવાઝોડુ ગુલાબ બંગાળની ખાડીથી આગળ નીકળીને મધ્ય પ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચી ગયુ છે જે આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચી શકે છે. જેના કારણે અરબ સાગર પર સર્જાયેલા લો પ્રેશરના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. 28 અને 29 તારીખે ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. વળી, 29 સપ્ટેમ્બરનારોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી.

વીજળીના કડાકા સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા
ગુલાબ વાવાઝોડાના કારણે સર્જાનારી સાયક્લોનિક અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

સિઝનનો 82.40 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 82.40 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ, કચ્છમાં 88 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ થયો છે. કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનુ વાવેતર 20 સપ્ટેમ્બર સુધીમાં થયુ છે. ગયા વર્ષે આ સમયગાળામાં 85.83 લાખ હેક્ટર વાવેતર થયુ હતુ. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01 ટકા વાવેતર થયુ છે.

જળાશયો હાઈ એલર્ટ પર
ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા યોજાયેલા વેધર વૉચ ગ્રુપની ઑનલાઈન બેઠકમાં જણાવવામાં આવ્યુ હતુ કે સરદાર સરોવર જળાશયમાં હાલમાં 186731 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 55.89 ટકા છે. સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે રાજ્યના 206 જળાશયમાં 418556 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 75.09 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઈ એલર્ટ પર કુલ 79 જળાશયો, એલર્ટ પર કુલ 12 જળાશયો તેમજ ચેતવણી પર 13 જળાશયો છે.












Click it and Unblock the Notifications
