Gujarat Rain: ગુજરાતમાં મેહુલિયો મુશળધાર, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ હજુ વરસાદનુ જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
નવસારીમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી ભયજનક સપાટીને પાર છે. 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખેરગામમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રવિવારે રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 11 ઇંચ (263 મીમી) વરસાદ વરસ્યો છે. રાજ્યના 52 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. ખેરગામમાં 11 ઇંચ, ડેડિયાપાડા 9 ઇંચ, સાગબારા 8 ઇંચ, કપરાડા 7.5 ઇંચ, વલસાડ 7 ઇંચ, ચોટીલા અને ધરમપુર 7 ઇંચ, રાજકોટ 6.5 ઇંચ, નાંદોદ 6.5 ઇંચ, ડાગ આહવા 5 ઇંચ, કુકરમુંડા 5 ઇંચ અને વઘઇ 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
વળી, ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જો કે, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરતના ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 1.50 લાખ કયૂસેક કરતાં પણ વધારે પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ આજવા ડેમની સપાટીમાં વધારો થતાં વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે. જોકે નદી ભયજનક સપાટીથી હજી 8 ફૂટ દૂર છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અને 26 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
27 ઓગસ્ટના રોજ આણંદમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. આ સિવાયના ગુજરાત રિજનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે પણ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
28મી ઓગસ્ટના રોજ બુધવારે આણંદ માટે રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ગુજરાત રિજનના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ તારીખે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 29મી ઓગસ્ટે ગુજરાત રિજનના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે.
30મી ઓગસ્ટે બનાસકાંઠા, અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી. વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવે સૂચના આપી હતી.












Click it and Unblock the Notifications
