Gujarat Rain: PM મોદીએ CM પટેલ સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો, કેન્દ્રની મદદનુ આપ્યુ આશ્વાસન
Gujarat Rain: ગુજરાત પર હાલમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે છેલ્લા 3-4 દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમામ જિલ્લાઓ જળબંબાકાર છે. ભારે વરસાદના પગલે રોજિંદા જીવન પર પણ અસર વર્તાઈ છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે.
વર્તમાન સ્થિતિને પગલે પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પીએમ મોદીએ ફોન કરીને રાજ્યમાં ભારે વરસાદને પગલે ઊભી થયેલી વિકટ સ્થિતિ અંગે માહિતી મેળવી.

પીએમ મોદીએ આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર આ સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ સહિત તમામ આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોસ્ટ કરીને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી. ભારે વરસાદને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ જણાવ્યુ કે, માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.
છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરથી સંકટ છે. સૌથી વધુ નવસારી અને વલસાડ જિલ્લો વરસાદથી પ્રભાવિત થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં પડેલ ભારે વરસાદના કારણે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે ત્યારે વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઈને વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં 102 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. આજે સવારથી જ હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગ પાસેથી મળતા મેપ પ્રમાણે, આજે સવારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. હાલ સુધીમાં રાજ્યમાં કુલ 23800 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં 6440 લોકોનું છેલ્લા 2 દિવસમાં સ્થળાંતર કરાયું છે.












Click it and Unblock the Notifications
