રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ હોવાથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં ફરીથી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ હોવાથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડીસા, મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી છે. વળી, સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે 8 જિલ્લાઓમાં ઓરેન્જ અને 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.17 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જો કે 17 ઓગસ્ટ પછી છૂટોછવાયો વરસાદ પડી શકે છે જેથી બે વર્ષ બાદ સાતમ આઠમના મેળામાં વરસાદી વિઘ્ન પડવાની સંભાવના નથી.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો છે. ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં ગઈ કાલે 178 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. વ્યારામાં 6, ઉમરપાડામાં 4.5 અને બારડોલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણ અને મેઘરજમાં 3.5, માંડવીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. રાજકોટ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ભાવનગર જિલ્લામાં પણ વરસાદે માઝા મૂકી હતી.












Click it and Unblock the Notifications
