ગુજરાત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ગાઈડલાઈન જારી કરી
ગુજરાત સરકારે રેશન કાર્ડના ઉપયોગ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. હવેથી રાજ્યમાં રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Proof of Residence) તરીકે કરી શકાશે નહીં.
આ કાર્ડનો ઉપયોગ માત્ર નિયત આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે LPg, કેરોસીન અને વાજબી ભાવની દુકાનોમાંથી રાશન મેળવવા પૂરતો જ મર્યાદિત રહેશે.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં અગાઉના અનેક આદેશોનો સંદર્ભ લેવામાં આવ્યો છે, જેમાં ૧૯૯૪નો રાજ્ય સરકારનો હુકમ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળનો ૨૦૧૫નો કેન્દ્ર સરકારનો આદેશ અને તાજેતરનો ગુજરાત માહિતી આયોગનો ૫ ઓગસ્ટ ૨૦૨૫નો નિર્દેશ સામેલ છે.
પરિપત્રમાં ખાસ કરીને લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (નિયંત્રણ) આદેશ ૨૦૧૫ (Targeted Public Distribution System (Control) Order, 2015)ના કલમ ૪(૬)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમ સ્પષ્ટપણે જણાવે છે કે, રેશન કાર્ડનો ઉપયોગ ઓળખ દસ્તાવેજ અથવા રહેઠાણના પુરાવા તરીકે કરવામાં આવશે નહીં.
ગુજરાત સરકારે આ જોગવાઈને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં તેની અમલવારી માટે ઔપચારિક રીતે નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, રાશન કાર્ડનો ઉપયોગ ફક્ત વાજબી ભાવની દુકાનોમાંથી ગેસ અને રાશન મેળવવા માટે જ કરવાનો રહેશે. રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ અથવા રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં.
આ નવો આદેશ રાજ્ય સરકારની મંજૂરી સાથે જાહેર કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકારી યોજનાઓના લાભ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને અન્ય દસ્તાવેજોના દુરુપયોગને અટકાવવાનો આ પ્રયાસ છે.












Click it and Unblock the Notifications
