ગુજરાતને મળશે 11 નવા એરપોર્ટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે કરાર પર કર્યા હસ્તાક્ષર
ગુજરાતમાં નાગરિક ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વધારો કરવાના ઈરાદાની જાહેરાત કરતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તેણે 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા અને હાલના નવ એરપોર્ટને વિસ્તારવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
રાજ્ય સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલિતાણાને ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે ઓળખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને AAI આ પ્રોજેક્ટ્સ માટે જરૂરી જમીનની ઉપલબ્ધતાની પણ તપાસ કરશે.

AAI સાથેના કરાર મુજબ, ગુજરાત સરકાર એરપોર્ટ માટે જરૂરી જમીન અને વીજળી અને પાણી જેવી અન્ય ઉપયોગી સેવાઓ પૂરી પાડશે. સરકારે જણાવ્યું કે તે વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ત્રણ વધારાના ગ્રીનફિલ્ડ એરપોર્ટની શક્યતાઓ પણ તપાસશે.
ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટ ઉપરાંત રાજ્ય સરકાર નવ એરપોર્ટના બ્રાઉનફિલ્ડ ડેવલપમેન્ટ પર પણ ધ્યાન આપી રહી છે. સરકાર સુરત, વડોદરા, કંડલા, પોરબંદર, ભાવનગર અને કેશોદ ખાતેના હાલના એરપોર્ટનું વિસ્તરણ કરવા વિચારી રહી છે. સરકાર મહેસાણા, અમરેલી અને માંડવી એરપોર્ટ પર એરસ્ટ્રીપ્સનું વિસ્તરણ કરવાની પણ યોજના ધરાવે છે.
ગુજરાતમાં હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, કંડલા, ભુજ, પોરબંદર, કેશોદ અને મુન્દ્રા સહિત લગભગ 11 કાર્યરત એરપોર્ટ છે. ગુજરાત સરકાર અને AAI સંયુક્ત રીતે ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસાવી રહ્યા છે. રાજ્યમાં ઓછામાં ઓછા બે સી-પ્લેન ટર્મિનલ અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે અને બીજું કેવડિયા ખાતે છે.












Click it and Unblock the Notifications
