Gujarat Weather: રાજ્યમાં કડકડતી ઠંડી, સૌથી ઓછુ તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી, વરસાદ-વાવાઝોડાની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનુ શરુ થઈ ગયુ છે. રાજ્યમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછુ તાપમાન નોંધાયુ છે. આગામી 3 દિવસમાં હજુ ઠંડી વધવાની સંભાવના છે.
રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન કચ્છના નલિયામાં 9.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. વળી, પોરબંદરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં 14.2 , ડીસામાં 14 અને ભૂજમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે.

આ ઉપરાંત અમદાવાદમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી અને સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 11થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે. અરબ સાગરમાં હલચલ આવ્યા બાદ 12 ડિસેમ્બરથી ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. જે બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની સંભાવના છે.
ગુજરાતમાં 29 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે. અલ નીનોની અસર રહેશે તેમજ માર્ચ મહિના સુધી ઠંડીમાં વધ-ઘટ થયા કરશે. 16 અને 17 ડિસેમ્બરે ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ભારે હિમવર્ષાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરીથી હવામાન પલટાશે. જેના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. તેમજ કાતિલ ઠંડી પણ પડવાની સંભાવના છે. ડિસેમ્બરના અંતમાં તેમજ જાન્યુઆરીમાં અલનીનોના કારણે ફરીથી એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે વાવાઝોડાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
