Gujarat Weather: રાહત બાદ ફરીથી વધી ઠંડી, માવઠાના વાદળો પણ ઘેરાયા, જાણો હવામાનની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ ફરીથી પારો નીચો આવી ગયો હતો. રવિવારે રાજ્યમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી ફરીથી તાપમાન ઘટશે અને ઠંડી વધશે. જો કે, હજુ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નહિ થાય.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. હવામાન વિભાગ મુજબ 29 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ઠંડીનો નવો રાઉન્ડ થઈ ગયો છે. જો કે, આ દરમિયાન હાડ ધ્રૂજાવતી કાતિલ ઠંડી નહિ પરંતુ મધ્યમ ઠંડી પડશે.
વળી, આઈએમડી મુજબ આજથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના અમુક ભાગો અને નદી કાંઠાના વિસ્તારોમાં 1 ફેબ્રુઆરી સુધીમાં ઝાકળ જોવા મળશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ઝાકળ વર્ષાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ વાદળા દેખાશે.
ગુજરાતમાં કચ્છનુ નલિયા 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. વળી, ઓખા 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 12.3 ડિગ્રી, નલિયામાં 9 ડિગ્રી, ડીસામાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 13 ડિગ્રી, સુરતમાં 15.1 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 31.3 ડિગ્રી, નલિયામાં 28.6 ડિગ્રી, ડીસામાં 29.9 ડિગ્રી, ગાંધીનગરમાં 29.8 ડિગ્રી, વડોદરામાં 32.4 ડિગ્રી, સુરતમાં 34.2 ડિગ્રી, કંડલામાં 29.3 ડિગ્રી, દ્વારકામાં 26.2 ડિગ્રી, રાજકોટમાં 32.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 31.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 27થી 30 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. વળી, ફેબ્રુઆરીના પહેલા બે સપ્તાહમાં તીવ્ર ઠંડી અનુભવાશે.












Click it and Unblock the Notifications
