ગુજરાતમાં આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા સમગ્ર અઠવાડિયા દરમિયાન હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવ્યો છે. આજે મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછુ જોવા મળ્યુ છે. આગામી 28 જાન્યુઆરી સુધી ઠંડીનુ પ્રમાણ આવુ જ રહેશે. વળી, હવામાન વિભાગ દ્વારા સમગ્ર અઠવાડિયા દરમિયાન હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરનુ તાપમાન 8.2 ડિગ્રી જ્યારે ગાંધીનગરનુ તાપમાન 7 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. સૌથી ઓછુ તાપમાન કચ્છમાં 6 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. વડોદરામાં આજે 9 ડિગ્રી જ્યારે રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. ભાવનગરમાં આજે ઠંડીનુ પ્રમાણ 12.9 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. સુરતમાં પણ 11 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જાન્યુઆરીની શરૂઆતથી જ રાજ્યમાં દિવસેને દિવસે ઠંડી વધી રહી છે.
હજુ આવનારા સમયમાં ઠંડીનુ પ્રમાણ વધવાતી લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઠંડી પડશે. ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સાતથી આઠ ડિગ્રી સુધી ગગડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરના સીધા ઠંડા પવનની અસર સૌથી વધુ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં રહેશે. તમને જણાવી દઈએ કે રવિવારે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાનુ શરુ થયુ હતુ. પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે રાતનુ તાપમાન સાડા સાત ડિગ્રી ઘટ્યુ હતુ જ્યારે દિવસનુ તાપમાન પોણા પાંચ ડિગ્રી ઘટ્યુ હતુ. આગામી 72 કલાકમાં ઠંડી 2થી 4 ડિગ્રી વધશે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
