Gujarat Weather: નલિયામાં 8 ડિગ્રી સાથે કાતિલ ઠંડી, વાદળછાયા વાતાવરણ વચ્ચે આવી ભયંકર ગરમીની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. કચ્છનુ નલિયા 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરના કારણે હાલમાં ગુજરાતમાં ઠંડીનો પારો ઘટ્યો છે.
રાજ્યમાં ચાલી રહેલી શીતલહેર દરમિયાન ગરમીની આગાહી શરુ થઈ ગઈ છે. જે મુજબ ટૂંક સમયમાં ગરમી શરુ થવાની છે. લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલુ વધવાની સંભાવના છે.

હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં 11 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, કેશોદ અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ભૂજમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી, દ્વારકા, વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતે તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15 અને 16 ફેબ્રુઆરીએ ફરીથી તાપમાન વધશે અને ગરમીની શરુઆતનો અહેસાસ થશે. 19થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અનુભવાશે.
વળી, તેમણે જણાવ્યુ કે ફેબ્રુઆરીના અંત સુધીમાં હવામાનમાં વારંવાર ફેરફાર જોવા મળી શકે છે. આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને ઉત્તરના પહાડી પ્રદેશોમાંથી આવતા પવનોના કારણે 14 ફેબ્રુઆરી સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે.18થી 20 ફેબ્રુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ પવનની ગતિ હાલમાં સામાન્ય કરતા વધુ છે. 13 ફેબ્રુઆરી સુધી 11થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાતો રહેશે. 14 ફેબ્રુઆરી પછી પવનની ગતિ ઘટશે. પવનની દિશા અને ગતિ બદલાયા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી વધશે. આવનારા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે છે. જો કે, સવારે અને રાતે ઠંડીનો અનુભવ થશે.












Click it and Unblock the Notifications
