Gujarat Weather: રાજ્યમાં હજુ વધશે કાતિલ ઠંડી, પવન ફૂંકાશે, જાણો શું છે આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં ઉત્તરપૂર્વ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે. બે દિવસ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
આઈએમડીએ વધુમાં જણાવ્યુ કે આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યનુ હવામાન સૂકુ રહેશે. વળી, 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે પવન સાનૂકુળ રહેશે.

તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે શીત લહેરનો પ્રકોપ યથાવત છે. જો કે, ગુજરાતમાં શુક્રવારે તાપમાન સામાન્ય વધ્યુ હતુ પરંતુ ઠંડા પવનોના કારણે લોકો ઠુઠવાયા હતા.
આઈએમડીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો ધીમે-ધીમે વધશે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થશે. ડાંગ, વલસાડ અને સુરતમાં તાપમાન 13 ડિગ્રી સુધી જશે. વળી, મહેસાણા જિલ્લામાં લઘુત્તમ તાપમાન 12થી 13 ડિગ્રી જવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તરાયણ પર રાજ્યમાં 8થી 25 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે. પવનની ગતિ સવારે 13 કિમી, બપોરે 20 કિમી અને સાંજે 24 કિમી રહેશે. વળી, 15 જાન્યુઆરીએ પવનનુ જોર ઘટશે અને વાદળછાયુ વાતાવરણ રહેશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરુઆતમાં ઠંડી રહેશે.
ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, શુક્રવારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. વળી, અમદાવાદમાં 16.5 ડિગ્રી, ડીસામાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 19.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 9.8 ડિગ્રી, દ્વારકામાં 17 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો, શુક્રવારે નલિયામાં 29.6 ડિગ્રી, અમદાવાદમાં 30.4 ડિગ્રી, ડીસામાં 29.7 ડિગ્રી, ગાંધીનગરમાં 29.6 ડિગ્રી, વડોદરામાં 32.2 ડિગ્રી, સુરતમાં 33 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 29 ડિગ્રી, દ્વારકામાં 29.6 ડિગ્રી, રાજકોટમાં 33.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 30.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
