Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ, સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમી, ચોમાસાએ લીધી સત્તાવાર વિદાય
Gujarat Weather: ગુજરાતમાં હવે ઋતુ પરિવર્તનનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં એક તરફ શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે, તો બીજી તરફ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ ચાલુ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં રાજ્યના નાગરિકોને સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો માર સહન કરવો પડશે.

હવામાન વિભાગે (IMD) પણ સત્તાવાર જાહેરાત કરી છે કે રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે.
પવનોની દિશા બદલાતા રાજ્યના તાપમાનમાં હવે મિશ્ર અસર જોવા મળશે
મહત્તમ તાપમાન: રાજ્યમાં મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.
લઘુતમ તાપમાન: લઘુતમ તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રીથી નીચે જશે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડકનો અનુભવ થશે.
અમદાવાદ: અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
વરસાદની સંભાવના: હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં અને વરસાદની કોઈ આગાહી નથી, જોકે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર
હાલમાં જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દેશના ઉત્તરીય ભાગમાં આવેલા પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષા અને હિમવર્ષાને કારણે ઉત્તર ભાગ તરફથી આવતા ઠંડા પવનો ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડાવી રહ્યા છે.
ચોમાસાએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ સત્તાવાર વિદાય લીધી હોવાની જાહેરાત કરવામાં આવી છે.
આ રાજ્યોમાં ચોમાસાની વિદાય
હવામાન વિભાગના મતે, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની છે. જોકે, દેશના દક્ષિણી અને પૂર્વીય ભાગોમાં હજુ પણ વરસાદની સંભાવના છે. લક્ષદ્વીપમાં હળવો વરસાદ, જ્યારે આંદામાન-નિકોબાર, આસામ, મેઘાલય, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
