ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો
ગુજરાતમાં એકસાથે ત્રણ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ લાઈનની સંયુક્ત અસરથી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 30 માર્ચના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 2 અને 3 એપ્રિલે વરસાદનો બીજો રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિત સાબરકાંઠા અને ગાંધીનગરમાં આંધી-તોફાન સાથે વરસાદની ચેતવણી અપાઈ છે. અમદાવાદ અને અરવલ્લીમાં પણ વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. આ અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોમાં ઉભા પાકને લઈ ચિંતા વ્યાપી છે.
હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ત્રણ સિસ્ટમ્સ એકસાથે સક્રિય થતા અસામાન્ય સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમ્સના કારણે દરિયાઈ પવનોની ગતિમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તરીય પશ્ચિમી વિક્ષેપને કારણે પંજાબ અને રાજસ્થાનની સાથે ગુજરાતમાં પણ અસર થશે. પવનની ગતિ 60 થી 70 કિલોમીટર રહેતા કાચા મકાનોને નુકસાન થવાની ભીતિ છે.
રાજ્યમાં 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો ચાલુ રહેશે જે ગરમીથી રાહત આપશે પરંતુ કૃષિ ક્ષેત્રે મુશ્કેલી વધારશે. મધ્ય ગુજરાતમાં પણ આ સિસ્ટમની સીધી અસર જોવા મળશે જે ચિંતાનો વિષય બન્યો છે.












Click it and Unblock the Notifications
