Gujarat Weather: રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ, દ્વારકામાં રેડ એલર્ટ
Gujarat Weather: હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનુ અનુમાન છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સમગ્ર રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ રહેશે. જેમાં પણ ખાસ કરીને જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ અને ભાવનગરમાં વધુ વરસાદ રહેશે.

આજે દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. નવસારી, વલસાડ, ડાંગ, જામનગર, પોરબંદર, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર, કચ્છ, પંચમહાલ, વડોદરા, ભરુચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
વળી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 24થી 26 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. તેમણે જણાવ્યુ કે 22 જુલાઈથી 26 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગર અને ઓરિસ્સા વચ્ચે સિસ્ટમ બને છે. જે બાદ દેશમાં સારો વરસાદ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ 12 ઈંચ સુધી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. વડોદરા, સાવલી, આણંદ, અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. અઠવાડિયાના અંત સુધી ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે સતત વરસાદના કારણે રાજ્યના 107 જળાશયો એલર્ટ પર છે. કુલ 207 જળાશયો પૈતકી 44 જળાશયો ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના 34, કચ્છના 8, મધ્ય અને દક્ષિણ ગુજરાતનુ એક જળાશય સંપૂર્ણ ભરાઈ ગયુ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 72.81 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 61.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 119 ટકા, સૌરાષ્ટ્રમાં 89.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, મધ્ય ગુજરાતમાં 48 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.68 વરસાદ થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 જુલાઈથી વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થતા ચોમાસાનો ચોથો રાઉન્ડ શરુ થશે.












Click it and Unblock the Notifications
