Gujarat Weather: રાજ્યમાં ફરીથી તોળાયુ માવઠાનુ સંકટ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, ઠંડી પણ વધશે
Gujarat Weather: ગુજરાતમાં ફરીથી હવામાનમાં જોરદાર પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. આવતા 4-5 દિવસ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

આઈએમડીના જણાવ્યા મુજબ ગુરુવાર અને શુક્રવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં છૂટાછવાયા હળવા ઝાપટાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 2થી 16 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. જેના પરિણામે ગુજરાતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે. જો કે, આ ઠંડીના પરિણામે ખેડૂતોને ફાયદો થશે. ઘઉં, રાયડા, સરસવ સહિતના પાકો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે.
તાપમાનનો પારો 4થી 5 ડિગ્રી ગગડતા ઠંડીનુ જોર વધશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ઘટયો છે. ઘણા શહેરોમાં વાદળછાયુ વાતાવરણ છે. સવારમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઝીરો થઈ જતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે.
હવામાન વિભાગના આગાહી મુજબ આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા, નવસારી જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી જ્યારે નર્મદા, મોરબી, કચ્છ, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદ, આણંદ, ભરુચ, જામનગર, કચ્છ, મોરબી, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી જ્યારે તાપી, રાજકોટ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી રહે તેવી સંભાવના છે.












Click it and Unblock the Notifications
