Gujarat Weather: રાજ્યમાં ચાર દિવસ રહેશે ચોમાસાનો માહોલ, ગાજવીજ સાથે માવઠાની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.
જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી અને વલસાડ સહિત ઘણી જગ્યાએ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

જો કે, છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલા વરસાદી માહોલમાં આગામી દિવસોમાં ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની સાથે અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. વળી, અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે.
થંડરસ્ટ્રોમ એક્ટિવિટી દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ભરુચ અને સુરત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
નોંધનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેવાના કારણે આગામી દિવસોમાં પણ વરસાદ રહેવાની આગાહી છે. 3 અને 4 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરુચ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને જામનગરમાં વરસાદની આગાહી છે.
વળી, 5 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા અને ભરુચ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના દર્શાવી છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. 53 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.












Click it and Unblock the Notifications
