Gujarat Weather: ગુજરાતના 7 જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, પછી પડશે ભીષણ ગરમી
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક જિલ્લાઓમાં આજે અને કાલે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના હવામાનમાં પલટો આવવાની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 અને 16 એપ્રિલના રોજ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે. રાજ્યના સાત જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં હવામાન પલટાયા બાદ કચ્છ, દાહોદ, અમરેલી, બનાસકાંઠા, દ્વારકાના ખંભાળિયા, સાબરકાંઠા, પાટણ, અંબાજી સહિત 11 જિલ્લાઓમાં વરસાદ થયો હતો. માવઠાને પગલે કેરીના પાકને નુકશાન થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.
આઈએમડી મુજબ આજે અને કાલે થંડરસ્ટૉર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના ભરુચ અને સુરત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ દીવમાં અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અમુક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 17 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીનુ પ્રમાણ જોરદાર વધશે. તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે. એપ્રિલ મહિનામાં ભીષણ ગરમીની આગાહી છે.
રાજ્યમાં અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 40.7 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડિસામાં 37.9 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, સુરતમાં 35.6 ડિગ્રી, ભૂજમાં 36.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
