Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, આજે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના શિહોરમાં પાંચ ઈંચ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. જો કે, છૂટાછવાયો હળવો વરસાદ પડી શકે છે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી 47 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 112 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 36 ટકા જ્યારે પૂર્વ ગુજરાતમાં 34 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે. જેના કારણે રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થશે. આઈએમડીના જણાવ્યા મુજબ આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, વડોદરા, ભરુચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી છે.
નોંધનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 જુલાઈથી રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે. ત્યારબાદ 15 જુલાઈથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. 18થી 20 જુલાઈએ મ્યાનમારથી ઓરિસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18થી 20 જુલાઈએ ચોમાસાનુ પહેલી ડીપ ડિપ્રેશન બનશે.












Click it and Unblock the Notifications
