Gujarat Weather: ગુજરાતમાં 200થી વધુ તાલુકામાં વરસાદ, 3 સિસ્ટમ સક્રિય, 7 દિવસ ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ
Gujarat Weather: રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત 200 કરતા વધારે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે સમગ્ર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે.
આજે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.

અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. વળી, સૌરાષ્ટ્ર ઉપર ઉત્તરમાં 20 એલ્ટીટ્યુડ પર સક્રિય થયેલું છે. તેમજ દક્ષિણના ભાગો પર ઓફ શોર ટ્રફ છે. આ 3 સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 16 તાલુકા એવા છે જેમાં 4 થી 8 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ મધ્ય, ઉત્તર ગુજરાતમાં નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે 30 જુલાઈ 2024ના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલલાડ અને દમણમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વળી, જામનગર, મોરબી, કચ્છ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આજે સવાર 6 વાગ્યા સુધીમાં સરેરાશ કુલ 493.82 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં 55.93 ટકા વરસાદ પડ્યો છે. જો છેલ્લા 3 વર્ષના વરસાદના આંકડાની વાત કરીએ તો, 2021માં ચોમાસાની સિઝનનો 827.27 મીમી કુલ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2022માં 1037.88 મીમી કુલ 122.09 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે 2023માં 948.06 મીમી 108.16 ટકા સિઝનનો વરસાદ નોંધાયો હતો.
તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 જૂનથી 29 જુલાઈ સુધી 276.2 મિમી વરસાદની જરૂરિયાત હોય છે જેની સામે અત્યાર સુધીમાં 413.1 મિમી વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે જરૂરિયાત કરતાં 50% વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 29 જુલાઈ સુધી 451.5 મિમી વરસાદની જરૂરિયાત હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 431.2 મિમી વરસાદ વરસ્યો છે એટલે કે હજુ પણ જરૂરિયાત કરતા ચાર ટકા વરસાદની ઘટ છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
