Gujarat Weather: રાજકોટમાં પારો 39ને પાર, કાળઝાળ ગરમી શરુ, જાણો હવામાનની આગાહી
Gujarat Weather: સમગ્ર ગુજરાતમાં ભીષણ ગરમીની શરુઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગે માર્ચના અંત સુધીમાં રાજ્યનુ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી દીધી છે. રાજ્યના 4 શહેરોનુ તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયુ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. ધીમે-ધીમે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને પારો 40ને પાર પહોંચશે. માર્ચના છેલ્લા સપ્તાહમાં હિટવેવની સંભાવના પણ છે.

રાજ્યમાં અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.1 ડિગ્રી નોંધાયુ હતુ. વળી, અમદાવાદમાં 36.6 ડિગ્રી, ભૂજમાં 38.7 ડિગ્રી, પોરબંદરમાં 38 ડિગ્રી, નલિયા 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.1 ડિગ્રી, કંડલામાં 37.3 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ઓખા, દ્વારકા, દીવ, વેરાવળ, દમણ અને સુરત જેવા દરિયાકાંઠા નજીકના સ્થળોએ તાપમાન પ્રમાણમાં ઓછુ રહ્યુ હતુ.
વળી, આઈએમડી મુજબ દરિયાકિનારે પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર્વોત્તરનો પવન ફૂંકાશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 19 માર્ચથી 24 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળા ઘેરાવાની સંભાવના છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકિનારા તેમજ કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે. વળી, દરિયાકિનારાના અમુક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
