Gujarat Weather: નલિયામાં પારો ગગડ્યો, આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે, જાણો હવામાનની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોમાં લોકો ઠુઠવાઈ રહ્યા છે. નલિયામાં પારો 2 ડિગ્રી જેટલી ઘટીને 9.5 ડિગ્રીએ આવી ગયો છે.
રાજ્યનુ પાટનગર ગાંધીનગર પણ ઠંડીની ચપેટમાં છે. અહીં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે ગાંધીનગર રાજ્યનુ બીજા નંબરનુ ઠંડુ શહેર રહ્યુ હતુ. 20.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ વધુ ઠંડી પડવાની સંભાવનાઓ છે. ઉત્તર ભારતમાં પડી રહેલી કાતિલ ઠંડીની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. રાજ્યના ઘણા શહેરોમાં પારો ઘટ્યો છે.
આઈએમડીના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વીય દિશા તરફના પવનના કારણે તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે, ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા તાપમાન વધશે અને ગરમીમાં વધારો થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન કોઈ મોટો ફેરફાર નહિ થાય. અમદાવાદમાં આજે આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 12.7 ડિગ્રી, નલિયામાં 9.5 ડિગ્રી, ડીસામાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, સુરતમાં 17 ડિગ્રી, કંડલામાં 15.2 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 29 ડિગ્રી, નલિયામાં 28.4 ડિગ્રી, ડીસામાં 28.9 ડિગ્રી, ગાંધીનગરમાં 28.5 ડિગ્રી, વડોદરામાં 28.4 ડિગ્રી, સુરતમાં 29.6 ડિગ્રી, કંડલામાં 28.6 ડિગ્રી, દ્વારકામાં 27.2 ડિગ્રી, રાજકોટમાં 30.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 27થી 31 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં પવનના તોફાનો, કરા, ભારે હિમવર્ષા વધશે. જેની અસર ક્ચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર-પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાથી કમોસમી વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
