Gujarat Weather: ગુજરાતમાં પારો ઉંચકાયો, જાણો ગરમી અને માવઠા માટે હવામાનની આગાહી
Gujarat Weather: રાજ્યમાં હાલમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે થોડી વાર ઠંડી રહ્યા પછી બપોરે ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ઉનાળાના આગમનની જાહેરાત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે અને ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. વળી, હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. જો કે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થઈ શકે છે. જેના પરિણામે તાપમાનમાં વધ-ઘટ થઈ શકે છે.

આઈએમડી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. રાજ્યમાં આજથી ગરમી વધવાની સંભાવના છે. સામાન્ય કરતા 2થી 3 ડિગ્રી તાપમાન વધ્યુ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમીની અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ઉનાળો અસહ્ય રહેવાનુ અનુમાન છે. અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ છે. હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે રાતના સમયમાં વધુ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. આગામી 24 કલાક દરમિયાન પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવનાના પગલે અમુક જગ્યાએ માવઠુ થઈ શકે છે. વળી, 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમીનુ પ્રમાણ વધશે.
તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 21.5 ડિગ્રી અને નલિયામાં 16 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી, અમરેલીમાં 36.8 ડિગ્રી અને દ્વારકામાં 27.6 ડિગ્રી નોંધાયુ છે.












Click it and Unblock the Notifications
