Gujarat Weather: ભરશિયાળે વાવાઝોડુ, વીજળી, વરસાદ, 16ના મોત, આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં હજુ શિયાળો શરુ થયો ત્યાં અચાનક ચોમાસાએ એન્ટ્રી મારી દીધી. વાતાવરણમાં પલટો આવ્યો અને રાજ્યભરમાં કમોસમી વરસાદ આફત બનીને વરસવા લાગ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો છે.
માવઠાના કારણે રાજ્યના 233 તાલુકામાંથી 220માં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 60 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડા, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં વીજળીના કારણે 16થી વધુ વ્યક્તિ અને 50થી વધુ પશુના મૃત્યુ થયા છે. જેમાં દાહોદમાં સૌથી વધુ 3 અને ભરુચમાં 2 વ્યક્તિઓના વીજળી પડવાથી મોત થયા છે. આ ઉપરાંત અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વીજળી પડવાથી 1-1 મોત થયા છે.
રાજ્યમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે કરા પડ્યા હતા. રાજકોટ, બનાસકાંઠા, મોરબી, નવસારીમાં બરફના કરા પડ્યા હતા. રાજકોટના માલિયાસણના બ્રીજ પર કરા સાથે વરસાદ થતા બરફની ચાદર છવાઈ ગઈ હતી. હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા શિમલા જેવા દ્રશ્યો સર્જાયા હતા.
માવઠાના કારણે ખેતરના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કપાસ, તુવેર, ગુવાર, કાપેલા ડાંગરના પાકને ભારે નુકશાન થયુ છે. આ ઉપરાંત ઘઉં, ડુંગળી, બાજરીના પાકને પણ ભારે નુકશાનની ભીતી સેવાઈ રહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 27 નવેમ્બર સુધી માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
